૪૨ દિવસમાં આચારસંહિતા ભંગની કુલ ૫૫૩ ફરિયાદ

14 November, 2012 05:13 AM IST  | 

૪૨ દિવસમાં આચારસંહિતા ભંગની કુલ ૫૫૩ ફરિયાદ



ગુજરાત વિધાનસભાના ઇલેક્શન માટે ગુજરાતમાં લાગુ કરવામાં આવેલી આચારસંહિતાની કોઈ પક્ષ દરકાર નથી કરતું એવું કહી શકાય, કારણ કે ત્રીજી ઑક્ટોબરથી લાગુ કરવામાં આવેલી આ આચારસંહિતાની કલમ હેઠળ ગઈ કાલ સુધીમાં ચૂંટણી પંચને આચારસંહિતા ભંગની કુલ ૫૫૩ ફરિયાદ મળી છે, જેમાંથી ૪૭ કેસમાં ચૂંટણી પંચની દરમ્યાનગીરીથી પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. આચારસંહિતા લાગુ કર્યાને ગઈ કાલે ૪૨ દિવસો પૂરા થયા. આ ૪૨ દિવસોમાં ચૂંટણી પંચે ગુજરાતમાંથી કુલ ૨૨.૫૬ કરોડની એવી કૅશ રકમ પકડી છે જેના માટે ગુજરાતના ૧૦૭ લોકોની સામે તપાસ પણ શરૂ થઈ છે. ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી અનીતા કરવલે કહ્યું હતું કે ‘ઇલેક્શનમાં કોઈ પણ પ્રકારના નિયમો ન તૂટે એ માટે અત્યારે કુલ ૧૮૦ ઑફિસર કામ કરે છે, પણ ફેસ્ટિવલ પૂરા થયા પછી આ ઑફિસરની સંખ્યા વધારીને ૪૦૦ કરવામાં આવશે.’

માત્ર ૪૨ દિવસમાં ૫૫૩ ફરિયાદ. આ આંકડો સહેજ પણ નાનો નથી. ૨૦૦૭ની વિધાનસભાના ઇલેક્શનમાં ૪૦ દિવસમાં માત્ર ૧૧૯ ફરિયાદો થઈ હતી. આ વર્ષે થયેલી આચારસંહિતાના ભંગની ફરિયાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલા અને અજુર્ન મોઢવાડિયા સુધ્ધાંનો સમાવેશ થયો છે.