કૉન્ગ્રેસના નેતાને બીજેપીમાં જોડાયાના માત્ર ત્રણ જ કલાકમાં ટિકિટ મળી ગઈ

29 November, 2012 06:09 AM IST  | 

કૉન્ગ્રેસના નેતાને બીજેપીમાં જોડાયાના માત્ર ત્રણ જ કલાકમાં ટિકિટ મળી ગઈ



કૉન્ગ્રેસમાંથી બીજેપી જૉઇન કરનાર પૂનમ માડમની જેમ કૉન્ગ્રેસના ગિરિશ પરમાર પણ લકી નીવડ્યા છે. બીજેપીએ પ્રથમ યાદી જાહેર કરી ત્યારે કૉન્ગ્રેસ અલવિદા કહીને બીજેપીમાં જોડાયેલાં કૉન્ગ્રેસનાં પૂનમબહેન માડમને બીજેપીએ ખંભાળિયાની બેઠક પરથી ઉમેદવારી કરાવી છે અને હવે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં ગિરિશ પરમાર હાજર રહ્યા હતા અને તેઓ કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયાની જાહેરાત બીજેપીના પ્રદેશ અગ્રણીઓ કૌશિક પટેલ અને જ્યંતી બારોટે કરી હતી. હજી તો આ જાહેરાતને ત્રણ કલાક જેટલો સમય માંડ થયો હશે ત્યાં જ ગિરિશ પરમારને લૉટરી લાગી ગઈ અને દિલ્હીથી જાહેર થયેલી યાદીમાં તેમનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની દાણી લીમડાની બેઠક પર કૉન્ગ્રેસમાંથી ટિકિટ નહીં મળતાં કૉન્ગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગિરિશ પરમાર પક્ષથી નારાજ થઈને હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું.

અમદાવાદની બેઠકો ઉપર મોટા ભાગે ચાલુ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બે મહિલા ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યાં નથી, પણ પડતાં મૂકવામાં આવ્યાં છે. નરોડાની બેઠક ઉપરથી ડૉ. માયા કોડનાની અને સાબરમતીની બેઠક પરથી ગીતા પટેલને બીજેપીએ ફરી ટિકિટ ફાળવી નથી અને તેમને સ્થાને નવા ચહેરાને સ્થાન આપ્યું છે.