નો મીટ, નો લિકર

11 December, 2015 06:38 AM IST  | 

નો મીટ, નો લિકર




રશ્મિન શાહ


કચ્છના ધોરડોના સફેદ રણમાં થનારી ઑલ ઇન્ડિયા ડિરેક્ટર્સ જનરલ ઑફ પોલીસની ત્રણ દિવસની કૉન્ફરન્સમાં નૉન-વેજ કે લિકર નહીં મળે અને તમામ પોલીસ-અધિકારીએ સાદા અને શાકાહારી ભોજન સાથે ત્રણ દિવસ રહેવું પડશે. ૧૮ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમ્યાન થનારી આ કૉન્ફરન્સમાં ગાંધીના ગુજરાતની ગરિમા જળવાયેલી રહેવી જોઈએ એવો મેસેજ ખુદ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની ઑફિસમાંથી આવ્યો છે જેની પુષ્ટિ ‘મિડ-ડે’ પાસે કરતાં ગુજરાતના લૉ ઍન્ડ ઑર્ડર ડિપાર્ટમેન્ટના પોલીસ જનરલ પી. સી. પાંડેએ કહ્યું હતું કે ‘આગતાસ્વાગતા પરંપરાગત રીતે જ થશે, પણ એમાં જે કંઈ પીરસવામાં આવશે એ ગુજરાતના નિયમ મુજબનું જ હશે. લિકર નહીં હોય અને ફૂડ ટોટલી શાકાહારી હશે, જેમાં એગનો પણ સમાવેશ કરવામાં નહીં આવે.’

ત્રણ દિવસની આ કૉન્ફરન્સ દરમ્યાન દરરોજ સવારે આયુર્વેદિક ઉકાળા, ગૌમૂત્ર, વેજિટેબલ જૂસ, ફ્રૂટ-જૂસ પીરસવામાં આવશે તો સવારના સમયે રેગ્યુલર મિલ્કની સાથે ગાયનું દૂધ અને બકરીનું દૂધ પણ બ્રેકફાસ્ટમાં મૂકવામાં આવશે.

ત્રણ દિવસની આ કૉન્ફરન્સમાં દેશભરના સોથી વધુ ડિરેક્ટર જનરલ આવશે. તેમની સાથે ફૅમિલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાથેની મીટિંગ હશે ત્યારે ફૅમિલી-મેમ્બર્સને એ એરિયાથી દૂર રાખવામાં આવશે. ત્રણ દિવસમાંથી એક સાંજે બે કલાક નરેન્દ્ર મોદી ડિરેક્ટર જનરલોના ફૅમિલી-મેમ્બર્સ સાથે પણ રહેવાના છે અને તેમની સાથે વાતો કરવાના છે.

ગાંધીજીની જન્મભૂમિ પર આ પ્રકારની જ ટ્રીટ મળે એવો મેસેજ સ્પ્રેડ કરવાના હેતુથી વડા પ્રધાન મોદીની ઑફિસમાંથી શુદ્ધ શાકાહારી ભોજન જ પીરસવાનો ઑર્ડર આપવામાં આવ્યો છે તો દારૂ પીરસવાની પણ સ્ટ્રિક્ટ્લી ના પાડી દેવામાં આવી છે : સવારના સમયે આયુર્વેદિક ઉકાળા અને ગૌમૂત્ર હશે તો બ્રેકફાસ્ટમાં બકરીનું દૂધ પણ મૂકવામાં આવશે

આનંદીબહેન માટે પણ ધોરડો પ્રતિબંધિત

કચ્છના સફેદ રણમાં ઊજવાતા રણ ઉત્સવ દરમ્યાન ૧૮થી ૨૦ ડિસેમ્બરે કેન્દ્ર સરકાર દ્વારા ડિરેક્ટર જનરલ ઑફ પોલીસની ત્રણ દિવસની જે કૉન્ફરન્સ રાખવામાં આવી છે એ મીટિંગને કારણે આ સીમાક્ષેત્રના પાંચ કિલોમીટર વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. કૉન્ફરન્સ દરમ્યાન ટૂરિસ્ટો અને ફોટોગ્રાફરો તો આ વિસ્તારમાં દાખલ નહીં જ થઈ શકે, પણ સાથોસાથ પૉલિટિકલ પાર્ટીના નેતાઓ અને ગુજરાત સરકારના પ્રધાનો માટે પણ આ વિસ્તાર પ્રતિબંધિત ગણાશે જેને કારણે ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ આ ત્રણ દિવસ દરમ્યાન સફેદ રણમાં દાખલ નહીં થઈ શકે. એને કારણે પહેલી વખત એવું બનશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હોય એ પછી પણ ગુજરાતના એક પણ નેતા કે મુખ્ય પ્રધાન કોઈ તેમને મળી શકવાના ન હોય.

ટૂરિસ્ટો અને પૉલિટિકલ આગેવાનો ઉપરાંત આ વિસ્તારમાં સ્થાનિક પોલીસ પણ પ્રવેશ નહીં કરે શકે એવો પણ ઑર્ડર કરવામાં આવ્યો છે. કૉન્ફરન્સ દરમ્યાન સ્થાનિક પોલીસ-અધિકારીઓ પણ આ ટેન્ટ સિટીની બહાર હશે અને તેમને પણ અંદર દાખલ થવા પર મનાઈ ગણવામાં આવશે.