સ્ટેચ્યુ ઑફ યુનિટીને દેશ સાથે જોડતી ૮ ટ્રેનને પીએમ મોદીએ રવાના કરી

18 January, 2021 02:51 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સ્ટેચ્યુ ઑફ યુનિટીને દેશ સાથે જોડતી ૮ ટ્રેનને પીએમ મોદીએ રવાના કરી

ગુજરાતમાં આવેલા કેવડિયાને દેશના વિવિધ ભાગ સાથે જોડતી ટ્રેનને લીલી ઝંડી બતાવવાના પ્રસંગે વડા પ્રધાન તથા વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો. (તસવીર: પી.ટી.આઇ.)

પીએમ મોદીએ ગઈ કાલે કેવડિયાને દેશના વિવિધ પ્રદેશોથી જોડતી ૮ ટ્રેનોને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રવાના કરી છે. આ ટ્રેનોએ સ્ટેચ્યુ ઑફ યુનિટીને સીમલેસ ક્નેક્ટિવિટી પ્રદાન કરી છે. આ ઉપરાંત દેશના પહેલા ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું છે. વડા પ્રધાન સમારોહ દરમ્યાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન હાજર રહ્યા છે અને કેન્દ્રીય રેલવે પ્રધાન વર્ચ્યુઅલ રીતે દિલ્હીથી ઉપસ્થિત રહ્યા છે. વડા પ્રધાનના હસ્તે દિલ્હીથી વર્ચ્યુઅલના માધ્યમથી કેવડિયા રેલવે સ્ટેશનના લોકાર્પણ અને નવી રેલવે સેવાઓના પ્રારંભ કરાયો. જેમની સાથે રેલ પ્રધાન પીયૂષ ગોયલ પણ વર્ચ્યુઅલ રીતે દિલ્હી રેલ ભવનથી કાર્યક્રમમાં હાજર રહ્યા છે.  કેવડિયા ખાતે દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું, રેલવેના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે આટલા રાજ્યમાંથી સંયુક્ત રીતે આ પ્રકારે ટ્રેનોની શરૂઆત થઈ છે. આખરે કેવડિયા જગ્યા જ એવી છે. દેશનું એકીકરણ કરનારા સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય સ્મારકને દેશ સાથે જોડી રહેલી રેલવેએ ખરા અર્થમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો પરિચય કરાવ્યો છે. કેવડિયાનું દેશના દરેક દિશા સાથે જોડાવું સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. થોડી વાર પહેલાં ચેન્નઈ, વારાણસી, રીવા, દાદર અને દિલ્હી, મુંબઈ અને અમદાવાદથી કેવડિયા જોડાઈ ગયું છે. હું નાનો હતો તે વખતે ચાંદોદ વિસ્તારમાં રેલવેમાં નેરોગેજમાં પરિવાર સાથે ગયો છું.

સ્ટેચ્યુ ઑફ યુનિટીને લઈને ગુજરાતના મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા

રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ પ્રસંગે નિવેદન આપતા જણાવ્યું કે ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી એ અમારા માટે એક પ્રતિમા જ નથી પરંતુ દેશની એકજૂટતાનું ઉદાહરણ છે. આ પ્રતિમા આજે આખા વિશ્વમાં અનેકતામાં એકતા, સ્વતંત્રતા માટેના સંઘર્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સંદેશ આપે છે. પીએમ મોદીના આગવા દૃષ્ટિકોણને કારણે જ કેવડિયા આજે વર્લ્ડ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનવામાં આગળ વધી રહ્યું છે.

statue of unity narendra modi indian railways gujarat