કોણ હતાં મધુરી કોટક, જેમનાં નિધન પર પીએમ મોદીએ ટ્વીટમાં કહી આ વાત?

06 January, 2023 05:00 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ચિત્રલેખાના સ્થાપક તંત્રી વજુ કોટકના પત્ની અને ચિત્રલેખાના સહસંસ્થાપક મધુરીબહેન કોટકે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધાં.

મધુરીબહેન કોટક

મધુરીબહેનનો જન્મ 1930માં થયો. તેમના વેવિશાળ 1949માં અને ત્યાર બાદ લગ્ન વજુ કોટક સાથે થયાં. તેમના લગ્ન બાદ 1950માં ચિત્રલેખા શરૂ થઈ. 1959માં પતિ વજુ કોટકના નિધન બાદ છેલ્લા એક-બે વર્ષ સિવાય મધુરીબહેન કોટકે લગભગ 70 વર્ષ સુધી ચિત્રલેખાનું કામકાજ સંભાળ્યું. લગભગ 30 વર્ષની ઉંમરે વજુ કોટકનું નિધન થયું અને તેના લગભગ 64 વર્ષ સુધી મધુરીબહેન કોટકે ચિત્રલેખાના પ્રકાશનો અને પરિવારની દેખરેખ લીધી અને આજે તેમણે વિશ્વને અલવિદા કહી દીધું છે.

મધુરીબહેન પોતે બીજા મહિલા ફોટોગ્રાફર રહી ચૂક્યાં હતાં. લગભગ 60 અને 70ના દાયકામાં તે સમયે એક મહિલા ફોટોગ્રાફર તરીકે લોકપ્રિયતા મેળવવી તે મધુરીબહેન જ કરી શકે. જો કે, `ચિત્રલેખા`ના સંસ્થાપક સ્વ. વજુ કોટક પાસેથી તેઓ પત્રકારત્વ અને ફોટોગ્રાફી શીખ્યા હતાં અને `ચિત્રલેખા`નાં સહસંસ્થાપક તરીકે જેઓ વધારે જાણીતાં બન્યાં. મધુરીબહેને પાડેલી તસવીરો `ચિત્રલેખા` સિવાય `બીજ` અને `જી` નામની મેગેઝિનમાં પણ છપાતા હતા. તેમણે પતિની હાજરીમાં મર્યાદિત કામ કર્યા છતાં વજુ કોટકના નિધન બાદ સઘળું કામકાજ પોતાને માથે લીધું અને ખૂબ જ સરસ રીતે પોતાની આ જવાબદારી નિભાવી.

મધુરીબહેનના જીવનમાં બનેલી અનેક ઘટનાઓ અને તેમની સફર વિશે પુસ્તક લખનાર પત્રકાર દેવાશું દેસાઈ તેમને શ્રદ્ધાંજલિ આપતા લખે છે, "સૌથી મોટું આશ્ચર્ય તો એ હતું કે મધુરી કોટક એ ભારતના કદાચ બીજા મહિલા ફોટોગ્રાફર હતાં... પણ એમણે ક્યારેય કોઈ એવોર્ડ, સન્માન કે જાહેર સમારંભમાં મંચ પર સ્થાન ન સ્વીકાર્યું.... ૧૯૫૫ થી લગભગ ૧૯૭૫ કે ૧૯૮૦ સુધી નાની મોટી ઘટના તેમ જ ફિલ્મ ઉદ્યોગની કઈ કેટલીય ફિલ્મના સેટ પર જઈને, તેમજ હિરોઈનોનાં અદ્ભૂત ફોટોગ્રાફસ લીધાં હતાં... ૬૦-૭૦નાં દાયકાની જાણીતી ટોચની અભિનેત્રીઓ મધુબેન સાથે મિત્રતા ધરાવતી હતી... મધુબહેનનું પોતાનું વ્યક્તિત્વ પણ ખૂબ જાજરમાન હતું... ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ૧૯૬૪માં ફિલ્મ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા મુંબઈ આવ્યા હતા... આ ઘટનાનું કવરેજ કરવા ૧૦થી ૧૫ ફોટોગ્રાફર હાજર હતાં, જેમાં એકમાત્ર મહિલા ફોટોગ્રાફર મધુરીબેન હતાં. ભૂતપૂર્વ વડાપ્રધાન પણ આ મહિલા ફોટોગ્રાફરને જોઈને એક ક્ષણ માટે ઊભા રહી ગયા હતા..."

આ પણ વાંચો : Mumbai Airport પર કસ્ટમ વિભાગે ઝડપ્યુ 4.47 કિલો હેરોઈન અને 1.596 કિલો કોકેઈન

આવું જાજરમાન વ્યક્તિત્વ ધરાવનાર મધુરીબહેન કોટકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, "ચિત્રલેખા પરિવારના મધુરીબહેનના અવસાનથી દુઃખી છું. મધુરીબહેનનું અવસાન વાચક જગત માટે મોટી ખોટ છે. સદ્ગતની આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પિરવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના... ઓમ શાંતિ!!"

national news narendra modi gujarati mid-day shilpa bhanushali