પ્લાસ્ટિકની બૉટલના નિશાના પર કેજરીવાલ હતા?

03 October, 2022 09:38 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

રાજકોટમાં દિલ્હીના સીએમ તરફ બૉટલ ફેંકાઈ, પરંતુ આપના નેતા કહે છે કે તેઓ જ નિશાના પર હોવાનું ચોક્કસ ન કહી શકાય

રાજકોટમાં ગરબાના એક આયોજનમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તરફ પ્લાસ્ટિકની બૉટલ ફેંકવામાં આવી હતી.

ગુજરાતના રાજકોટમાં ગરબાના એક આયોજનમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તરફ પ્લાસ્ટિકની એક બૉટલ ફેંકવામાં આવી હતી. જોકે આ બૉટલ તેમને વાગી નહોતી અને તેમના માથાની ઉપરથી પસાર થઈ હતી. 

શનિવારે રાતે ગરબાના આ સ્થળે કેજરીવાલની મુલાકાત દરમ્યાન આ ઘટના બની હતી. જેનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં જોવા મળે છે કે તેઓ ગરબામાં આવેલા લોકોનું અભિવાદન ઝીલતાં આગળ વધી રહ્યા હતા ત્યારે તેમની તરફ બૉટલ ફેંકવામાં આવી હતી. એ વખતે દિલ્હીના સીએમની સાથે સિક્યૉરિટી ઑફિસર્સ અને પાર્ટીના સિનિયર નેતાઓ હતા. 

આમ આદમી પાર્ટીના મીડિયા કો-ઑર્ડિનેટર સુકનરાજે કહ્યું હતું કે ‘આ બૉટલ થોડા અંતરેથી ફેંકવામાં આવી હતી અને એ કેજરીવાલના માથાની ઉપરથી પસાર થઈ હતી. એમ જણાય છે કે કેજરીવાલ તરફ આ બૉટલ ફેંકવામાં આવી હતી, પરંતુ એમ જ બન્યું હોવાનું અમે ખાતરીપૂર્વક ન કહી શકીએ. પોલીસમાં ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી.’

કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન શનિવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા.

gujarat gujarat news aam aadmi party arvind kejriwal