નિયતિની મરજી કંઈક બીજી જ હતી

27 September, 2011 08:37 PM IST  | 

નિયતિની મરજી કંઈક બીજી જ હતી

 

 

તરુ કજારિયા

ચાર વર્ષથી કાઠમંડુમાં રહેતાં ડૉ. પંકજ અને છાયા મહેતાનું ત્યાં આ છેલ્લું અઠવાડિયું હતું, નવેમ્બરની ૨૭ તારીખે તો મોટા દીકરાનાં લગ્ન હતાં; પરંતુ નિયતિની મરજી કંઈક બીજી જ હતી

રવિવારના પ્લેન-ક્રૅશમાં પત્ની સાથે જાન ગુમાવનારા આ જૈન ડૉક્ટર એટલા સેવાભાવી કે એક સમયે માત્ર બે રૂપિયાની ફી લેતા


મુંબઈ, તા. ૨૭


૨૫ સપ્ટેમ્બર ૨૦૧૧ની સવારે સાડાસાત વાગ્યે નેપાલની રાજધાની કાઠમંડુ નજીક બુદ્ધ ઍરલાઇન્સનું એક પ્લેન તૂટી પડ્યું એ ઘટનાએ કલકત્તાના સધર્ન ઍવન્યુમાં રહેતા ગુજરાતી અને મૂળ ધોરાજીના વીસા શ્રીમાળી જૈન પરિવારના સભ્યોેને આઘાતથી તોડી નાખ્યા છે. કલકત્તાના આ સંસ્કારી અને શાલીન ગુજરાતી પરિવારના મોભી ચંદુભાઈ મહેતા અને સ્વ. સવિતાબહેનના સૌથી નાના પુત્ર ડૉ. પંકજ અને પુત્રવધૂ ડૉ. છાયા મહેતા પણ એ કમનસીબ ફ્લાઇટમાં હતાં. ડૉ. પંકજ મહેતા છેલ્લાં ચાર વર્ષથી કાઠમંડુના યુનિસેફ (યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ)ના હેલ્થ અને ન્યુટ્રિશન-ઑફિસરની ફરજ બજાવતા હતા.

 

તેમનું નેક્સ્ટ પોસ્ટિંગ ફિલિપીન્સમાં થયું હતું અને ત્રીજી ઑક્ટોબરે તેઓ નેપાલ છોડીને મનીલા જવાના હતા. તેમનાં ઑફ્થેલ્મોલૉજિસ્ટ પત્ની ડૉ. છાયા મહેતા કાઠમંડુની કિસ્ત હૉસ્પિટલ સાથે જોડાયેલાં હતાં. મનીલા માટેનું પૅકિંગ અને તૈયારીઓ કરવા માટે ૨૦ સપ્ટેમ્બરથી જ તેઓ રજા પર હતાં. પતિ-પત્ની આટલાં વર્ષથી નેપાલમાં હતાં છતાં પોતાને પ્રિય એવા હિમાલયને પેટ ભરીને જોવાનું સપનું પૂરું નહોતું થયું એટલે નેપાલ છોડતાં પહેલાં બન્ને અચાનક જ રવિવારે સવારે ‘એવરેસ્ટ એક્સપિરિયન્સ’ની રાઇડમાં જોડાઈ ગયાં હતાં, પરંતુ એવરેસ્ટનું દર્શન કરીને પાછા ફરતાં એ નેચર-લવર દંપતીએ દુનિયાને અલવિદા કરી દીધી હતી.

સારવારની માત્ર બે રૂપિયા ફી લેતા


૧૯૫૩ની ૮ ઑક્ટોબરે કલકત્તામાં જન્મેલા ડૉ. પંકજ મહેતા બ્રિલિયન્ટ અને સહૃદયી ડૉક્ટર હતા. તબીબી વ્યવસાયને માનવતાના ધર્મ સાથે જોડનારા ડૉ. પંકજે બૅન્ગલોરની ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજમાંથી ડૉક્ટર થયા બાદ ૧૯૮૦ના દાયકામાં બૅન્ગલોરમાં પ્રૅક્ટિસ શરૂ કરી હતી. તેમના ક્લિનિકમાં આવતા દરદીઓની તેઓ માત્ર બે રૂપિયા ફી લઈને સારવાર કરતા. તેમના એક સ્વજને એ વિશે તેમને ટપાર્યા કે આમાં શું વળે? ત્યારે તેમણે કહેલું, ‘અરે, આ બે રૂપિયા પણ ન પોસાય એવી ગરીબીમાં જીવતા ઘણા દરદીઓ છે.’ તેમની આંખોમાં વેદના છલકાતી હતી. પોતાના જ્ઞાન અને કાબેલિયતનો વધુમાં વધુ લાભ ગરીબ અને લાચાર દરદીઓને મળે એ માટે તેઓ ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવા જતા. જૈનધર્મી પ્યૉર વેજિટેરિયન હોવાથી તેમને કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં તો ખોરાકની પણ અગવડ પડતી, પરંતુ એ બાબતને અવગણીને તેઓ પોતાના કમિટમેન્ટમાં અવ્વલ રહેતા. મેડિકલ સ્ટડીઝ અને પ્રૅક્ટિસને માનવસેવાનું મિશન સમજતા હેલ્થ ઍન્ડ ન્યુટ્રિશન વિષયના નિષ્ણાત ડૉ. પંકજ મહેતા ૨૦૦૦થી યુનિસેફ સાથે જોડાયા બાદ તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ બન્યું હતું. પ્રસૂતા jાીઓના મૃત્યુદર ઘટાડવાના પ્રોગ્રામ્સ, નવજાત શિશુઓના પોષક આહાર અને પોલિયો ડ્રાઇવના પ્રોગ્રામ્સ જેવા અનેક પ્રોજેક્ટ્સ તેમણે અત્યંત સફળતાથી અમલમાં મૂક્યા હતા.

 

પશ્ચિમ બંગાળ, બિહાર અને નેપાલમાં તેમણે આ ક્ષેત્રે કરેલાં કાર્યો અને સેવાની નોંધ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ સર્વોચ્ચ સ્તરે લેવાઈ અને ઑક્ટોબર ૨૦૧૧થી તેમને મનીલામાં યુનિસેફના હેલ્થ ઍન્ડ ન્યુટ્રિશન હેડ તરીકે સેવા આપવા માટે ડેપ્યુટ કરવામાં આવેલા. તેઓ કાઠમંડુ છોડીને જવાના હતા એનાથી તેમના સાથીઓ અને અન્ય લોકો ઉદાસ થઈ ગયા હતા. ડૉ. પંકજ મહેતા પણ કહેતા કે નેપાલના વસવાટ દરમ્યાન મને ઘણું જાણવા અને શીખવા મYયું છે. તેઓ પોતાના નેપાલના અનુભવો વિશે પુસ્તક પણ લખવાના હતા. યુનિસેફની કાઠમંડુની ઑફિસના સાથીઓના હોઠ પર એક જ વાક્ય છે : ડૉક્ટર મહેતા વૉઝ અ થરો જેન્ટલમૅન!

ખૂબ વિનમþ અને વિવેકી

પંકજ મહેતા ખૂબ જ વિનમ્ર અને વિવેકી હતા. તેમના પરિવારજનોને પણ તેમની સિદ્ધિઓ વિશે કદી કહેતા નહીં. તેમના પર તેમનાં મમ્મી સવિતાબહેન તેમ જ પિતા ચંદુભાઈના સંસ્કારોનો ઊંડો પ્રભાવ હતો. સૌજન્યશીલ અને પ્રેમાળ માતા સવિતાબહેનની ઉદારતા તેમને વારસામાં મળી હતી તો સમાજસેવી પિતા ચંદુભાઈનાં સપનાં તેણે પરિવારના પહેલા ડૉક્ટર બનીને પૂરાં કયાર઼્ હતાં. તેમનાં ભાભી વર્ષાબહેને કહ્યું હતું કે ‘ઘરમાં સૌથી નાના હોવા છતાં તેમની સમજણ અને ઉદારતા બહુ ઊંચાં હતાં. કોઈને કંઈક મનદુ:ખ કે નારાજગીની ભાવના થાય તો તેમના હોઠો પર આ શબ્દો હોય : ‘જવા દોને, ભૂલી જાઓ ભાભી. આપણા ધર્મે આપણને કેટલું સરસ શીખવ્યું છે - માફ કરી દેવાનું અને પોતાનું કામ કરતા રહેવાનું.’

પુત્રનાં નવેમ્બરમાં લગ્ન હતાં

પંકજભાઈનાં પત્ની ડૉ. છાયા પણ અનેક ગરીબ દરદીઓની આંખની સારવાર અને સર્જરી એક પૈસો લીધા વિના કરતાં. આ ડૉક્ટરદંપતીના બે પુત્રોમાંનો મોટો પુત્ર કેયૂર નેપાલના વિરાટનગરમાં એમ.ડી.નો અભ્યાસ કરી રહ્યો છે. તેમનો નાનો પુત્ર ધવલ અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટીમાં એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને ગોલ્ડ-મેડલિસ્ટ છે. નવેમ્બરની ૨૭ તારીખે કેયૂરનાં બૅન્ગલોરમાં લગ્ન નક્કી થયાં છે. એ માટે જુલાઈમાં જ પતિ-પત્નીએ કલકત્તા જઈને પરિવારજનો સાથે બધી તૈયારી કરી લીધી હતી. ડૉ. છાયાએ નવી વહુ માટે ઘરચોળું પસંદ કર્યું ત્યારે પોતાના માટે પણ ઘરચોળું લીધું હતું અને ત્રણે જેઠાણીઓને પણ ઉત્સાહથી કહેલું, ‘ભાભી, આપણે બધાં પણ ઘરચોળાં પહેરીશું.’

અંતિમ વિધિ માટે પિતા કાઠમંડુ

ડૉ. પંકજ મહેતાના પિતા આ આઘાતથી તૂટી ગયા છે, પરંતુ દીકરા-વહુની અંતિમ વિધિ માટે સ્વજનોને લઈને કાઠમંડુ પહોંચી ગયા છે. ડૉ. પંકજ અને ડૉ. છાયાની અંતિમ વિધિ આજે કાઠમંડુમાં છે. કાઠમંડુ જતાં પહેલાં દેરાસરમાં જઈને મહારાજસાહેબ પાસેથી માંગલિક સાંભળવાનું તેઓ ચૂક્યા નહોતા. વંશજ જ્યારે પૂર્વજ બની જાય ત્યારે પિતાની આંખોમાં વ્યાપી જતો વિષાદ હૃદયવિદારક હોય છે, પરંતુ ધર્મના સંસ્કાર અને જિંદગીની ક્ષણભંગુરતાને સ્વીકારીને આ વૃદ્ધ પોતાનાં સંતાનો અને તેમનાં સંતાનોને હિંમત બંધાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘આ જ નિયતિ છે! એને કોઈ નથી
પામી શક્યું!’

હૃદય ધબકારા ચૂકી ગયું, હિંમત ભાંગી ગઈ

કલકત્તાના સધર્ન ઍવન્યુ વિસ્તારમાં રહેતા નેવું વર્ષના ચંદુભાઈ મહેતા રવિવારે સવારે પોતાના રૂટીન પ્રમાણે નાહી-તૈયાર થઈને ભવાનીપુરના દેરાસર પહોંચી ગયા હતા. તેમનાં પુત્ર હર્ષવદન અને પુત્રવધૂ વર્ષા પણ રવિવારની સવારની નિરાંત માણતાં ઘરમાં હતાં. ત્યાં દસ વાગ્યે એક સ્નેહીનો ફોન આવ્યો : ‘કાઠમંડુમાં એવરેસ્ટથી પાછી ફરી રહેલી ફ્લાઇટ ક્રૅશ થઈ છે. આપણો પંકજ પણ ત્યાં જ છેને...’


વચમાં જ હર્ષવદન બોલી પડે છે, ‘અરે, પંકજ-છાયા તો ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં મનીલા જવા ફ્લાઇટ પકડવાનાં છે.’

‘હા... પણ જરા તમે ટીવી પર સમાચાર જુઓને... ક્રૅશ-વિક્ટિમ્સનાં નામોમાં એ નામ પણ છે!’


ધડકતા હૃદયે હર્ષવદને ટીવી ઑન કર્યું. ‘એવરેસ્ટ એક્સપિરિયન્સ’ માટે ગયેલી કાઠમંડુની એક પ્રાઇવેટ કંપનીના તૂટી પડેલા પ્લેનનો કાટમાળ અને અકસ્માતમાં મૃત્યુ પામેલી ફ્લાઇટમાં સવાર ૧૯ વ્યક્તિઓનાં નામો ટીવી-સ્ક્રીન પર ફ્લૅશ થતાં હતાં : બે ગુજરાતી પૅસેન્જર્સ પંકજ મહેતા અને છાયા મહેતાનાં નામ વાંચીને હર્ષવદનનું હૃદય ધબકારા ચૂકી ગયું. તેનો નાનો ભાઈ મૃત્યુ પામેલા લોકોના લિસ્ટમાં હતો. તેમનાં નામો વાંચ્યા છતાં તેના મને દલીલ કરી કે ‘આમાં કયાં ડૉ. પંકજ મહેતા અને ડૉ. છાયા મહેતા છે? એ નામ ધરાવતા તો ઘણા લોકો હોય. આ આપણાં પંકજ-છાયા નહીં હોય! હજી શનિવારે સાંજે જ તો પંકજ સાથે વાત થઈ હતી, પણ તેણે કંઈ કહ્યું નહોતું કે એ લોકો રવિવારે એવરેસ્ટ જોવા જવાના છે!’


તેણે કાઠમંડુમાં રહેતા નાના ભાઈના ઘરે ફોન જોડ્યો. છાયાનાં મમ્મીએ ફોન ઉપાડ્યો. તેમનો અવાજ એકદમ બરાબર હતો. એ સાંભળીને હર્ષવદનને હાશ થઈ. પછી પંકજ-છાયાને ફોન આપવા કહ્યું તો જવાબ મYયો, ‘એ લોકો બહાર ગયાં છે.’


‘સવાર-સવારમાં કઈ બાજુ?’ હર્ષવદને પૂછ્યું.


જવાબ મળ્યો, ‘એવરેસ્ટ દર્શન ટ્રિપમાં ગયાં છે!’


હર્ષવદને જેમ-તેમ કરીને ટકાવી રાખેલી હિંમત ભાંગીને ભુક્કો થઈ ગઈ. બીજી બાજુ દેરાસરમાં ચંદુભાઈને પણ કોઈ સ્વજન પાસેથી કાઠમંડુ ફ્લાઇટ ક્રૅશ થઈ હોવાના સમાચાર મળ્યા. દરમ્યાન તેમના ફોન પર ઘરેથી આવેલા ત્રણ-ચાર મિસ્ડ કૉલ્સ હતા. પોતાના સૌથી બાહોશ અને વહાલા દીકરા વિશેના સમાચારના અંદેશાથી હલી ગયેલા ચંદુભાઈને દેરાસરના પાંચ શ્રેષ્ઠીઓ ઘરે મૂકવા ગયા ત્યારે સ્વજનોના આક્રંદ અને આઘાતથી તેમનું ઘર ધ્રૂજી ઉઠ્યું હતું.