ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયા વધારી દીધા

16 June, 2020 07:26 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયા વધારી દીધા

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનના કારણે ગુજરાત સરકારની આવકમાં ઘટાડો થતા આ ઘટાડાને પહોંચી વળવા માટે કેટલાક ઉપાયો કર્યા બાદ ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે બે રૂપિયા વધારો કરવાનો નિર્ણય કર્યો હતો અને ગઇકાલે રાત્રે ૧૨ વાગ્યાથી આ નિર્ણયને અમલી બનાવ્યો છે. જોકે આ ભાવવધારાથી નાગરિકોમાં નારાજગી ફેલાઇ છે.

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ ભાવ વધારાની જાહેરાત કરતા ગઇ કાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ગુજરાત સરકાર અને કૉર ગૃપે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં રાત્રીના ૧૨ વાગ્યાથી પેટ્રોલના ભાવમાં લીટરે બે રૂપિયાનો અને ડીઝલમાં લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવશે.આ ભાવ વધારો કરીએ તો પણ આખા દેશમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ ઓછા રહેવાના છે.આ ભાવ વધારાના પરીણામે અંદાજે ૧૫૦૦થી ૧૮૦૦ કરોડની આવક વધે તેવી શકયતા છે.’

ભાવ વધારા પહેલા ગુજરાતમાં પેટ્રોલનો ભાવ લીટરે રૂપિયા ૭૧.૮૮ પૈસા હતો તેમાં હવે બે રૂપિયાનો વધારો થતા પ્રતિ લિટરે ભાવ રૂપિયા ૭૩.૮૮ પૈસા થયો છે.એવી જ રીતે ભાવ વધારા પહેલા ગુજરાતમાં ડીઝલનો ભાવ એક લીટરે રૂપિયા ૭૦.૧૨ પૈસા હતો તેમાં બે રૂપિયાનો વધારો થતા હવે પ્રતિ લીટરે ડીઝલનો ભાવ રૂપિયા ૭૨.૧૨ પૈસા થયો છે.

gujarat ahmedabad Nitin Patel