ગુજરાતમાં ધરતીકંપનો ગભરાટ હજી અકબંધ

22 October, 2011 02:29 PM IST  | 

ગુજરાતમાં ધરતીકંપનો ગભરાટ હજી અકબંધ

 

 

જોકે એ જીપની અને અનાઉન્સમેન્ટની પણ કોઈ અસર નહોતી થઈ. જૂનાગઢના કલેક્ટર અરવિંદ પરમારે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકોમાં જે ગભરાટ છે એ સમજી શકાય એવો છે. અમે બહાર સૂતેલા લોકોની સેફ્ટી માટે અને તેમના ઘરની સુરક્ષા માટે ગીર વિસ્તારનાં ૧૪ ગામોમાં રિઝર્વ પોલીસ મૂકી દીધી છે. આ પોલીસ જંગલ વિસ્તારનાં જંગલી પ્રાણીઓનું ધ્યાન રાખવાની સાથોસાથ લોકોના ઘરની સુરક્ષા પણ કરશે.’

જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે એપિસેન્ટર હોવાથી આ વિસ્તારમાં ગભરાટ વધુ જોવા મળ્યો હતો. આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાનાં ગામડાંઓમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો. ગઈ કાલે આ જિલ્લાનાં ગામના લોકોએ પણ પોતાના કાચા ઘરમાં સૂવાને બદલે ઘરની બહાર સૂવાનું પસંદ કર્યું હતું. ગુરુવારના ભૂકંપને કારણે ગુજરાતમાં અંદાજે ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે ગીર પંથકના તાલાલા અને માળિયા હાટીના વિસ્તારનાં ૨૫૦થી વધુ ઘરોને નુકસાન થયું હતું.

કેન્દ્રબિંદુ ડૅમની પાસે

ગુરુવારે ગુજરાતમાં આવેલા ૫.૩ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ જૂનાગઢ જિલ્લાના વંથલી ગામથી ૧૦ કિલોમીટર દૂરના કમલેશ્વર ડૅમથી પાંચ કિલોમીટર દૂર છે. કેન્દ્રબિંદુ જમીનથી માત્ર ૧૦ કિલોમીટર ઊંડું હોવાથી આટલી તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. ગઈ કાલે ગાંધીનગરમાં મળેલી ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની મીટિંગમાં ગુજરાતના ચીફ સેક્રેટરી એ. કે. જ્યોતિએ કહ્યું હતું કે અત્યાર સુધીનો ભૂકંપનો ટ્રૅક-રેકૉર્ડ જે મુજબનો રહ્યો છે એ જોતાં આવતા એકથી સવા મહિના સુધી હવે એના આફ્ટરશૉક જૂનાગઢ જિલ્લામાં અનુભવાય એવી સંભાવના છે.

ગઈ કાલની આ મીટિંગમાં ફૉલ્ટ-લાઇન વિશે પણ ચર્ચા થઈ હતી. એક અનુમાન મુજબ એવી સંભાવના છે કે આ એ જ ફૉલ્ટ-લાઇન છે જે ફૉલ્ટ-લાઇનમાં આવેલા ટૅક્ટિક્સ ચેન્જને કારણે ૨૦૦૧માં કચ્છમાં ધરતીકંપ આવ્યો હતો.

૩૯ આફ્ટરશૉક આવ્યા

૨૦૦૧ બાદ ફરી એક વાર ગુરુવારે રાતે ગુજરાતની ધરતીને ધ્રુજાવનાર ભૂકંપના આફ્ટરશૉક ગઈ કાલે પણ ચાલુ રહ્યા હતા અને દિવસ દરમ્યાન સાસણગીર-તાલાલા વિસ્તારમાં ૩૯ આફટરશૉક આવ્યા હતા.

સિસ્મોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ગઈ કાલે પણ આફ્ટરશૉક ચાલુ રહેવા પામ્યા હતા અને એમાં સવારે ૮.૩૭ વાગ્યે સાસણગીરમાં ૪.૧ની તીવ્રતા સાથેનો આફ્ટરશૉક આવ્યો હતો.

ગ્રામજનો, ગીરના સાવજ જેવી હિંમત રાખો : મોદી

અમદાવાદ: ગુજરાતના ભૂકંપથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાનાં લાડુડી અને જલંધર ગામોની મુલાકાત દરમ્યાન ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપમાં ગ્રામજનોએ બતાવેલી હિંમત અને ખમીર જાળવવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ગીરના સાવજની ખુમારી ધરાવતી આ ભૂમિ પર ભૂકંપ જેવી ભયાનક કુદરતી આફતમાં પણ ગ્રામજનો ડરવા ન જોઈએ.’

નરેન્દ્ર મોદી ગઈ કાલે જૂનાગઢ જિલ્લામાં ભૂકંપગ્રસ્ત માળિયા-હાટીના અને તાલાલા તાલુકાનાં ગામોમાં જઈને પીડિતોના દુ:ખમાં સહભાગી બન્યા હતા અને ગ્રામજનોના ખબરઅંતર પૂછીને સાંત્વન આપ્યું હતું.

નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે સદ્ભાવના મિશનના અભિયાનમાંથી નવસારીથી ગાંધીનગર આવ્યા ત્યારે મોડી રાત્રે ભૂકંપના સમાચાર મળતાં જ જિલ્લા અને તાલુકા તંત્રને આપત્તિ-વ્યવસ્થાપનની તમામ તત્કાળ બચાવરાહત કામગીરી સાથે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જવાના આદેશો આપ્યા હતા.

અસરગ્રસ્ત ગામોની મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂકંપનો ભોગ બનેલાં ગામોમાં નુકસાનીના સર્વેનું કામ પૂરું કરવામાં આવશે અને રાજ્ય સરકારનું તંત્ર પૂરી સંવેદનાશીલતાથી આપત્તિગ્રસ્તોને સહાય કરવા તત્પર રહેશે.