રાજકોટની મૅચમાં પાટીદારો મેદાનમા નગ્ન માણસ દોડાવશે?

14 October, 2015 05:33 AM IST  | 

રાજકોટની મૅચમાં પાટીદારો મેદાનમા નગ્ન માણસ દોડાવશે?



આશિક કે અનામત ? : મૅચની ટિકિટ લેવા માટે લાંબી લાઇન લગાવીને ઊભેલા આ યંગસ્ટર્સ દેખાય છે તો ક્રિકેટના ફૅન; પણ ઇન્ટેલિજન્સ બ્યુરોનું માનવું છે કે આ બધા ભાડૂતી ટિકિટ ખરીદનારા છે, હકીકતમાં આ ટિકિટો પાટીદારોને જવાની છે.



રશ્મિન શાહ


રાજકોટમાં રવિવારે રમાનારી ઇન્ડિયા-સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઇટ મૅચ દરમ્યાન પાટીદારો દ્વારા અનામતની માગણીને દુનિયા સમક્ષ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું ત્યારથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ ર્બોડ, સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન અને રાજકોટ પોલીસ ટેન્શનમાં આવી ગયાં છે અને તેમણે પાટીદારો દ્વારા મૅચમાં કોઈ તકલીફ ઊભી ન થાય એ માટે કડક તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે; પણ પાટીદારોએ એની સામે માસ્ટર સ્ટ્રોક પણ વિચારી રાખ્યો છે. પોતાની અનામતની માગણી દુનિયા આખી જુએ એ માટે પાટીદારો દ્વારા ચાલુ ક્રિકેટ-મૅચમાં એક નગ્ન વ્યક્તિને ગ્રાઉન્ડ પર દોડાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ઑડિયન્સમાંથી દોડતા આવીને શરીર પર એક પણ કપડું પર્હેયા વિના મેદાનમાં ધસી જતી આવી વ્યક્તિને સ્ટ્રીકર કહેવાય છે.

પાટીદારો દ્વારા જે પ્લાનિંગ થયું છે એ પ્લાનિંગ મુજબ તેમના સ્ટ્રીકરના શરીર પર ‘વી વૉન્ટ રિઝર્વેશન’ અને ‘જય સરદાર’નાં ટેમ્પરરી ટૅટૂ હશે જે મૅચ જોનારા સૌકોઈ જોઈ શકતા હશે. સ્ટ્રીકર બનવા માટે પહેલાં ફીમેલને તૈયાર કરવાની વાત હતી, પણ હવે એવું કરવાથી પાટીદાર સમાજની લાગણી દુભાય એવું લાગતાં હવે સ્ટ્રીકર તરીકે એક પુરુષને તૈયાર કરવામાં આવે એવી શક્યતા છે. આમ તો જે પ્રકારે મૅચમાં સિક્યૉરિટી અત્યંત ટાઇટ કરી દેવામાં આવી છે એ જોતાં સ્ટ્રીકરને દોડાવવાનું કામ અઘરું છે, પણ પાટીદારોએ અનામત આંદોલન માટે અત્યાર સુધી જે પ્રકારનું જક્કી વલણ રાખ્યું છે એ જોતાં બની શકે કે સ્ટ્રીકરને ગ્રાઉન્ડ પર દોડાવવાનું કામ પાર પાડીને રાજકોટની મૅચને દુનિયા આખીના ક્રિકેટ-ફૅન્સમાં જ નહીં પણ જગતભરની ન્યુઝ-ચૅનલોમાં પણ ચમકાવી દે.

ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર રાજકોટની વન-ડેની ટિકિટ ખરીદનારનો પાડવામાં આવે છે ફોટો

રવિવારે રમાનારી મૅચમાં કોઈ ગરબડ ન થાય એ માટે પોલીસ સુસજ્જ

હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલનને કારણે ભારોભાર ચર્ચાસ્પદ બની ગયેલી રાજકોટની રવિવારની વન-ડે મૅચ માટે સેફ્ટી પર્પઝથી ક્રિકેટ ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ટિકિટ ખરીદનારાઓનો ફોટોગ્રાફ પાડવામાં આવી રહ્યો છે. ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ડે-નાઇટ મૅચનું ટિકિટ-સેલિંગ કાલથી શરૂ થયું એ સમયે રાજકોટ પોલીસ અને ભારતીય ક્રિકેટ ર્બોડની સૂચનાથી સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશને ટિકિટબારી પર કૅમેરા ફિટ કરી દીધા. દર ત્રીસ સેકન્ડે ઑટોમૅટિકલી સ્નૅપ લેતા આ કૅમેરામાં ટિકિટ ખરીદનાર દરેક વ્યક્તિનો ફોટો પડી જાય છે અને ટિકિટ ખરીદી લીધા પછી ખાસ બાીજો ફોટો પણ પાડવામાં આવે છે. આ ફોટોગ્રાફ સાથે ટિકિટ ખરીદનારી વ્યક્તિને કયા નંબરની ટિકિટ આપવામાં આવી છે એની નોંધ કરવામાં આવે છે. રાજકોટના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ ગગનદીપ સિંહે કહ્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ મૅચમાં કોઈ પણ ગરબડ થાય તો દેશની ઇજ્જતને અસર થાય. આ મૅચમાં સહેજ પણ ગરબડ ચલાવી લેવામાં નહીં આવે.’

રાજકોટની મૅચમાં ટિકિટ ખરીદનારાએ આઇડેન્ટિટી કાર્ડ ફરજિયાત રીતે આપવાનો અને એક વ્યક્તિને માત્ર બે ટિકિટ આપવાનો નિયમ અગાઉ જ બનાવવામાં આવ્યો હતો, ગઈ કાલથી ફોટોગ્રાફનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો હતો.

પાટીદારો ઊમટી પડ્યા

ગઈ કાલે મૅચની ટિકિટનું બુકિંગ શરૂ થાય એ પહેલાં જ રાજકોટના રેસર્કોસ મેદાનમાં ટિકિટ ખરીદવા માટે એક કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ હતી. ટિકિટ ખરીદવામાં એવો તે ધસારો થયો હતો કે રેસર્કોસ ગ્રાઉન્ડમાં લગાવવામાં આવેલી રેલિંગ પણ લોકોએ તોડી નાખી હતી. ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટ મુજબ ટિકિટ ખરીદવામાં મોટા ભાગના પાટીદાર યંગસ્ટર્સ આવે છે. આ ઉપરાંત પાટીદારોએ એક સ્ટ્રૅટેજી એવી પણ અપનાવી છે કે હૉસ્ટેલ અને બોર્ડિંગમાં રહેતા અન્ય જ્ઞાતિના યંગસ્ટર્સને પણ એક્સ્ટ્રા પૈસા આપીને ટિકિટ લેવા માટે મોકલી દીધા છે.