રાજકોટ મેચ : સરકાર અને પાટીદાર સામ-સામે, ટેન્શન ચરમસીમાએ

17 October, 2015 06:01 AM IST  | 

રાજકોટ મેચ : સરકાર અને પાટીદાર સામ-સામે, ટેન્શન ચરમસીમાએ



ટિકિટ માટે થયો કજિયો :  ટિકિટ ન મળતાં ગઈ કાલે ફૅન્સે તોડફોડ કરી અને બૅનર પણ સળગાવી દીધાં




રશ્મિન શાહ

માસ્ટર સ્ટ્રોક પાટીદાર આઉટ

રાજકોટમાં આવતી કાલે રમાનારી ડે-નાઇટ મૅચ દરમ્યાન હાર્દિક પટેલ અને પાટીદાર અનામત સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવાનું જાહેર થયા પછી ગુજરાત સરકારે બનાવેલી સ્ટ્રૅટેજી મુજબ મૅચની મૅક્સિમમ ટિકિટ BJPએ ખરીદી લીધી છે જેથી મૅચમાં મોટા ભાગનું ઑડિયન્સ BJPનું જ રહેશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન આ વાતનું ખંડન કરે છે, પણ હકીકત એ છે કે આ મૅચની ૧૯૦૦ ટિકિટોનું ઑનલાઇન બુકિંગ થયું જ્યારે રીટેલ વિન્ડો પરથી ૮૦૦૦ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. કુલ ૯૯૦૦ ટિકિટના વેચાણ સામે ગ્રાઉન્ડમાં સીટિંગ-કૅપેસિટી ૨૯,૦૦૦ની છે. બાકીની જે ટિકિટો છે એમાંથી મૅક્સિમમ ટિકિટ ગ્થ્ભ્ દ્વારા બ્લૉક બુકિંગમાં ખરીદી લેવામાં આવી છે. ખરીદવામાં આવેલી આ ટિકિટ BJPએ સ્થાનિક ગવર્નમેન્ટ ઑફિસરોને અને તેમના ફૅમિલી-મેમ્બરને ગિફ્ટ આપી દીધી છે તો અનેક નેતાઓએ તેમના કાર્યકરોને આ ટિકિટ આપી દીધી છે. મૅચમાં આ જેકોઈ લોકો જવાના છે એ તમામ લોકો મૅચ દરમ્યાન ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સવર્ણ યોજનાનો પ્રચાર કરશે. આ પ્રચાર એ ગ્થ્ભ્નો સ્ટ્રૅટેજી પ્લાન છે. બધું યોજના મુજબ ચાલ્યું હોવાથી ગુજરાત સરકારનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પણ મૅચમાં હાજર રહેવાની હા પાડી છે.

આનંદીબહેન પટેલ આવવાનું કન્ફર્મ થતાં હવે રાજકોટની મૅચ અનેકગણી ઉત્તેજના વધારી ગઈ છે. રાજકોટની મૅચ પર પાટીદાર કબજો જમાવવા માગતા હતા, પણ BJPએ મૅક્સિમમ ટિકિટ પર કબજો કરી લેતાં હવે સ્ટેડિયમમાં ગ્થ્ભ્ ઇન થઈ ગયું છે અને પાટીદાર, હાર્દિક પટેલ અને અનામત માગનારા સૌ સ્ટેડિયમમાંથી આઉટ થઈ ગયા છે.

જો અમે સ્ટેડિયમમાં નહીં તો ટીમ પણ સ્ટેડિયમની બહાર : પાટીદારોને મેદાનની બહાર રાખવાના પ્લાન સામે હાર્દિક પટેલે પણ પોતાનો માસ્ટર પ્લાન ઘડ્યો છે

રાજકોટમાં રમાનારી ડે-નાઇટ મૅચ વધુ ને વધુ ટેન્શન સર્જી રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન અને ગુજરાત સરકારે મૅચ દરમ્યાન કોઈ બબાલ ન થાય કે પાટીદારો દ્વારા પોતાની માગણી વૈશ્વિક સ્તરે રજૂ કરવા નગ્ન પાટીદારને ચાલુ મૅચમાં દોડાવવામાં ન આવે એ માટે મોટા ભાગની ટિકિટો પર કબજો કરી લીધો છે ત્યારે હાર્દિક પટેલે ગઈ કાલે વિડિયો અને ઑડિયો દ્વારા પાટીદારોને મેસેજ આપ્યો હતો કે મૅચ શરૂ થાય એ પહેલાં જ બન્ને ટીમના રસ્તા રોકીને ટીમને સ્ટેડિયમ સુધી પહોંચતી અટકાવી દેવી. અત્યારે રાજકોટ જિલ્લામાં મીટિંગ કરી રહેલા હાર્દિક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જાણે આતંકવાદીઓ હોઈએ એ રીતે અમને ટિકિટ ન મળે એવી અરેન્જમેન્ટ કરી એ બહુ ખરાબ કહેવાય. સરકારે ક્રિકેટ-ગેમને કિડનૅપ કરીને બહુ મોટી ભૂલ કરી છે. અમારી એક જ વાત છે કે કાં તો મૅચમાં અમને જવા દેવામાં આવે અને કાં તો મૅચ રમાડવામાં જ ન આવે. જો અમને અંદર જવા નહીં મળે તો અમે કોઈ હિસાબે મૅચ રમાવા નહીં દઈએ. હું, હાર્દિક પટેલ સૌથી આગળ રહીશ અને મૅચને રમતી અટકાવીશ.’

હાર્દિકને જો સ્ટેડિયમમાં જવા નહીં મળે તો સ્ટેડિયમની બહાર શું કરવું એનો તેણે પણ માસ્ટર પ્લાન બનાવી રાખ્યો છે. આ પ્લાન મુજબ સૌથી પહેલો પ્લાન પ્લેયરને સ્ટેડિયમ સુધી જતા રોકી દેવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, તો બીજા નંબરે પોલીસને દોડાદોડ કરાવી દેવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હાર્દિકે કહ્યું હતું કે ‘જો અમે બહાર રહ્યા તો પોલીસને કામે લગાડી દઈશું. ૨૫ ઑગસ્ટને અમે ભૂલ્યા નથી. આજે પણ અમારી મા-બહેનને જે ગાળો આપવામાં આવી છે એનો બદલો બાકી છે.’

મારી ટિકિટ આવી ગઈ છે : હાર્દિક પટેલ


હાર્દિકે ગઈ કાલે કબૂલ કર્યું હતું કે મારી ટિકિટ ખરીદાઈ ગઈ છે. હાર્દિકની ટિકિટ પાટીદાર અનામત આંદોલન સમિતિના રાજકોટ જિલ્લાના કન્વીનર હેમાંગ પટેલે ગુરુવારે લાઇનમાં ઊભા રહીને ખરીદી હતી. હાર્દિકે કહ્યું હતું કે ‘અત્યારે તો હું મૅચ જોવા નહીં જાઉં એવું નક્કી કર્યું છે, પણ કાલે રાતે ફાઇનલ સ્ટ્રૅટેજી તૈયાર કર્યા પછી નર્ણિય લેવામાં આવશે કે મારે શું કરવું.’

હાર્દિક જો મૅચ જોવા જવાનું નક્કી કરશે અને અંદર જઈને વિરોધ કરવાનું એ વિચારશે તો તેને વળાવવા માટે ૫૦૦૦ પાટીદાર યંગસ્ટર્સ તેની સાથે જશે. જોકે આ બધું આવતી કાલે નક્કી થશે. હાર્દિકે જેકોઈ પાટીદારો ટિકિટ ખરીદી શક્યા છે તે સૌને પણ મેસેજ આપ્યો છે કે એ તમામ લોકો રાજકોટની પાટીદાર અનામત આંદોલન સમિતિની ઑફિસે તાત્કાલિક કૉન્ટૅક્ટ કરે જેથી સ્ટ્રૅટેજી નક્કી થઈ શકે.

ટિકિટ માટે થયો કજિયો :  ટિકિટ ન મળતાં ગઈ કાલે ફૅન્સે તોડફોડ કરી અને બૅનર પણ સળગાવી દીધાં

આવતી કાલે રાજકોટમાં રમાનારી ડે-નાઇટ મૅચની ટિકિટ માટે ગઈ કાલે બારી ખોલવામાં ન આવતાં બપોર સુધી બારી ખૂલે એની રાહ જોતા ક્રિકેટ-ફૅન્સ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે તોડફોડ શરૂ કરી દીધી હતી. તોડફોડ ઉપરાંત ક્રિકેટના ચાહકોએ રેસર્કોસમાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમ પાસે લગાડવામાં આવેલાં બૅનર પણ સળગાવી દીધાં હતાં, જેને કારણે માહોલમાં તંગદિલી પ્રસરી જતાં પોલીસને બોલાવવી પડી હતી. ઉશ્કેરાયેલા લોકોને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટિકિટનું બુકિંગ બંધ કર્યાની કે સ્ટેડિયમ હાઉસફુલ થઈ ગયાની કોઈ ઑફિશ્યલ જાહેરાત વિના જ સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશને વિન્ડો બંધ કરી દેતાં લોકો ઉશ્કેરાયા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી નિરંજન શાહે કહ્યું હતું કે ‘લોકોનો ઉત્સાહ સમજી શકાય, પણ બેઠક-વ્યવસ્થાને પણ જોવી પડે. મૅચ અનેક કારણોસર રસપ્રદ થઈ ગઈ છે, પણ ટિકિટ હોય જ નહીં તો એમાં અસોસિએશન કાંઈ ન કરી શકે.’

સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશને આપેલા આંકડા મુજબ ૨૯,૦૦૦ની બેઠક-વ્યવસ્થા ધરાવતા સ્ટેડિયમની ૨૬,૦૦૦ ટિકિટો વેચાઈ ગઈ છે, જ્યારે બાકીની ૨૦૦૦ ટિકિટો મેમ્બર અને અન્ય પદાધિકારીઓ માટે અનામત રાખવામાં આવે છે.




સિક્યૉર : હાર્દિક પટેલ માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના રાજકોટના કન્વીનર હેમાંગ પટેલે ટિકિટ ખરીદી લીધી છે. જો હાર્દિક મૅચ જોવા જશે તો એ સ્ટેડિયમના વેસ્ટ સ્ટૅન્ડમાં ૧૨૦૦ રૂપિયાની બેઠક પર બેસીને મૅચ જોશે. તસવીર : ચિરાગ ચોટલિયા