શૌચાલયો માટે લેઉવા પટેલોએ બે મિનિટમાં આપ્યા પોણાબે કરોડ

10 November, 2014 03:43 AM IST  | 

શૌચાલયો માટે લેઉવા પટેલોએ બે મિનિટમાં આપ્યા પોણાબે કરોડ



રશ્મિન શાહ

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા હરિદ્વારમાં બની રહેલા લેઉવા પટેલ સમાજ ભવનના ખાતમુરત પ્રસંગ માટે ગઈ કાલે જામકંડોરણામાં લેઉવા પટેલ સમાજના અગ્રણીઓની પાસે સૌરાષ્ટ્રના પટેલ નેતા અને પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાએ હરિદ્વાર ઉપરાંત દ્વારકા, નાથદ્વારા અને મથુરામાં પણ લેઉવા પટેલ સમાજ ભવન બનાવવાની જાહેરાત કરતાંની સાથે જ બે કલાકમાં પટેલ નેતાઓએ ૩૭ કરોડ રૂપિયાનો ફાળો ઊભો કરી દીધો હતો. એની સામે અંદાજિત જરૂરિયાત ત્રીસ કરોડ રૂપિયાની જ હતી. મજાની વાત એ છે કે ખાતમુરત પ્રસંગે ઉપસ્થિત રહેલાં ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પટેલ આગેવાનોને શૌચાલય માટે ફન્ડ આપવાનું સૂચન કરતાં બે મિનિટમાં પોણાબે કરોડ રૂપિયાનું દાન મળી ગયું હતું. આનંદીબહેને કહ્યું હતું કે ‘કમાવું આવડત છે અને વાપરવું એ ઉદારી છે. આ બન્ને કામમાં લેઉવા પટેલો આગળ પડતા છે એ વધુ એક વાર પુરવાર થયું.’

હરિદ્વાર ઉપરાંત મથુરા, નાથદ્વારા અને દ્વારકામાં બનનારા લેઉવા પટેલ સમાજ ભવન માટે એકઠા કરવામાં આવેલા આ ફાળામાં હાઇએસ્ટ ફાળો રાજકોટના બિલ્ડર ડી. કે. સખિયાએ ૨.૫૧ કરોડ રૂપિયાનો આપ્યો હતો. નિરમા લિમિટેડના ચૅરમૅન કરસન પટેલ સહિત અનેક માંધાતાઓએ એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ચાર ભવન માટે ફન્ડની વાત કરતાં પહેલાં વિઠલ રાદડિયાએ કહ્યું હતું કે ‘આજ સુધી સમાજ માટે તમારા બધા પાસે ભીખ જ માગતો રહ્યો છું, પણ આજે હવે છેલ્લી વાર કહું છું કે આ જ પછી સમાજ માટે ક્યારેય રૂપિયો નહીં માગું. છેલ્લી વાર કહું છું કે સમાજના ભવન માટે સંકોચ કર્યા વિના રૂપિયા આપો.’

હરિદ્વારનો શિલાન્યાસ જામકંડોરણામાં

સ્વાભાવિક રીતે શિલાન્યાસ ત્યાં જ થતો હોય જ્યાં મકાન બનવાનું હોય, પણ આનંદીબહેન પટેલ પાસે સમયનો અભાવ હોવાથી હરિદ્વારમાં શિલાન્યાસ કરવાને બદલે શિલાનું પૂજન જામકંડોરણામાં કુમાર છાત્રાલયના ગ્રાઉન્ડમાં આનંદીબહેન હસ્તક કરવામાં આવ્યું હતું. એ શિલા હવે હરિદ્વાર લઈ જવામાં આવશે અને પહેલી શિલા મૂકીને ભવનનું કામ શરૂ કરવામાં આવશે.

જે રીતે લેઉવા પટેલ દ્વારા આનંદીબહેન માટે આ પ્રકારની સગવડ ઊભી કરવામાં આવી એ જ રીતે આનંદીબહેને પણ પોતાના સમાજ માટે ગઈ કાલે દિલ્હી નરેન્દ્ર મોદીને મળવા જવાનું ટાળ્યું હતું. આનંદીબહેને કહ્યું હતું કે ‘આજે બપોરે દોઢ વાગ્યે મારે દિલ્હીમાં પ્રધાનોના શપથના કાર્યક્રમમાં હાજર રહેવાનું હતું. જોકે મારા માટે મારો સમાજ પહેલાં હતો એટલે ત્યાં જવાને બદલે અહીં તમારી પાસે આવી છું.’