પરષોત્તમ રૂપાલા આજે ઉમેદવારીપત્ર ભરશે

16 April, 2024 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJP અને રાજપૂતોમાંથી કોઈ ઝૂકવા તૈયાર નથી લાગતા

પરષોત્તમ રૂપાલા

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ઉમેદવારી ફૉર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટનો પ્રશ્ન પેચીદો બનતો જઈ રહ્યો છે. રાજપૂતો પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની સતત માગણી કરી રહ્યા છે ત્યારે વિવાદની વચ્ચે પરષોત્તમ રૂપાલા આજે ઉમેદવારી પત્ર ભરશે એવી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જાહેરાત થતાં એવું ચિત્ર ઊપસ્યું છે કે BJP અને રાજપૂતો એક પણ બાજુ ઝૂકવા તૈયાર નથી લાગતા. 

કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ માટે રોટી-બેટીના વ્યવહારની ટિપ્પણી કરતાં વિવાદ છેડાયો હતો જે હજી પણ ચાલી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજમાં આક્રોશ ફાટી નીકળતાં ખુદ પરષોત્તમ રૂપાલાએ માફી માગી લીધી હતી એમ છતાં પણ રાજપૂત સમાજનો આક્રોશ ઓછો થયો નથી અને BJP સમક્ષ તેઓ સતત એક જ માગણી કરતા આવ્યા છે કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. જોકે છેલ્લા કેટલાય દિવસોથી આ વિવાદ ચાલી રહ્યો છે અને સમાધાન માટેના પ્રયાસો BJP દ્વારા કરવામાં આવ્યા છે, પરંતુ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા BJP તૈયાર નથી એવું ચિત્ર ઊપસ્યું છે, કેમ કે ગઈ કાલે રાજકોટમાં BJPના રાજુ ધૃવે  મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘કાલે જાગનાથ મંદિરેથી એક રૅલી કાઢવામાં આવશે. ત્યાર બાદ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સભા થશે, જેમાં રાજકોટના નેતાઓ વજુભાઈ વાળા, વિજય રૂપાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ પરષોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે.’

national news Parshottam Rupala bharatiya janata party Lok Sabha Election 2024