માફી વળી શેની? મારી વાત જરાય ખોટી નથી : પરેશ રાવલ

09 November, 2014 05:05 AM IST  | 

માફી વળી શેની? મારી વાત જરાય ખોટી નથી : પરેશ રાવલ




રશ્મિન શાહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા મિશનમાં જોડાવા માટે મંગળવારે અમદાવાદ ગયેલા ઍક્ટર-સંસદસભ્ય પરેશ રાવલ બોલ્યા હતા કે અન્ય ધાર્મિક સ્થળો કરતાં પણ મંદિરોમાં સૌથી વધુ ગંદકી હોય છે. આ વિધાનને પગલે તેમને અનેક લોકોના ફોન આવી રહ્યા છે અને તેમણે બોલેલા શબ્દો પાછા લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. ગુજરાત સાધુસમાજના મહામંત્રી કનક મહારાજે તો ચેતવણી આપી છે કે ‘આ પ્રકારના શબ્દો એ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન છે અને શરમજનક છે. પરેશ રાવલ સોમવાર સુધીમાં પોતાના શબ્દો પાછા નહીં ખેંચે અને માફી નહીં માગે તો અમે અનશન શરૂ કરીશું.’

તમામ ધર્મસ્થાનોમાં સૌથી વધુ ગંદકી મંદિરોમાં હોય છે એ પ્રકારના શબ્દો પાછા ખેંચવા માટે આવેલા ફોન પછી પણ પરેશ રાવલ પોતાના શબ્દોને વળગી રહ્યા છે અને તેમણે કહ્યું હતું કે ‘માફી વળી શેની? હું મારી વાત સાથે વળગેલો છું, મંદિરોમાં જ સૌથી વધુ ગંદકી હોય છે. આમાં મારી વાત ક્યાં ખોટી છે? પવિત્ર એવી ગંગાને સ્વચ્છ કરવાનું તો આખો દેશ કહે છે તો એમાં કેમ કોઈને વિવાદ નથી દેખાતો? હું તો કહીશ કે આવી વાતોથી જે કોઈને શરમ આવતી હોય કે અકળામણ થતી હોય તે બધાએ પહેલાં તો એ વાતથી શરમાવું જોઈએ કે તમારા દેશના વડા પ્રધાને પંદરમી ઑગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી ટૉઇલેટની વાત કરવી પડી હતી. ક્યાં ગઈ હતી એ સમયે આ લોકોની શરમ અને આ લોકોનો વિરોધ? જો કોઈને મારી વાતનું ખરાબ લાગ્યું હોય તો મંદિરો સ્વચ્છ કરવાના કામે લાગી જાય.’

શું હતું પરેશ રાવલનું સ્ટેટમેન્ટ?

હિન્દુ ધર્મ હંમેશાં બીજા પાસેથી શીખતો રહ્યો છે, અપનાવતો રહ્યો છે. તમે ચર્ચ જુઓ, મસ્જિદો જુઓ, ગુરદ્વારા જુઓ... ક્યાંય તમને આપણાં મંદિરો જેટલી ગંદકી જોવા નહીં મળે. જ્યાં આપણે ભક્તિભાવથી જઈએ છીએ, માથું ટેકવીએ છીએ, શ્રદ્ધા સાથે આંખ બંધ કરીને ભગવાન સાથે એકાગ્ર થવા જઈએ છીએ એ જગ્યા કેવી રીતે ગંદકી ભરેલી હોય? આપણે શહેર સ્વચ્છ નથી રાખતા, સોસાયટી અને મહોલ્લો સ્વચ્છ નથી રાખતા અને મંદિરની બાબતમાં પણ આપણે એ જ કરીએ છીએ, સ્વચ્છતા નથી રાખતા.