હરેન પંડ્યાનાં પત્ની મેદાનમાં, GPPની ટિકિટ પર ઉમેદવારી

30 November, 2012 03:14 AM IST  | 

હરેન પંડ્યાનાં પત્ની મેદાનમાં, GPPની ટિકિટ પર ઉમેદવારી



ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન સ્વ. હરેન પંડ્યાનાં પત્ની જાગૃતિબહેન પંડ્યાએ કાલે કેશુભાઈ પટેલની પાર્ટી જીપીપીની ટિકિટ પર બીજેપીના ગઢ સમાન અમદાવાદની એલિસ બ્રિજ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરતાં ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો હતો. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં ફૉર્મ ભર્યા બાદ જાગૃતિબહેન પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પતિને ન્યાય અપાવવા માટે હું પૉલિટિક્સમાં આવી છું.’

રાજકારણમાં ઝંપલાવવાનું કારણ

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને બીજેપીના નેતા સ્વર્ગીય હરેન પંડ્યાનાં પત્નીએ ચૂંટણીજંગમાં ઝંપલાવતાં બીજેપી ચોંકી ઊઠી છે. આમ અચાનક જ રાજકીય ક્ષેત્રે આવવા પાછળનું કારણ તેમ જ બીજેપી નહીં અને જીપીપીમાં કેમ પસંદ કરી એવું પૂછવામાં આવતાં જાગૃતિ પંડ્યાએ કહ્યું હતું કે ‘મારા પતિ હરેન પંડયાની હત્યા થઈ પછી બીજેપી પાસે ન્યાય માગ્યો અને રી-ઇન્વેસ્ટિગેશન માટે સાથ માગ્યો, પણ બીજેપીમાંથી સહકાર મળ્યો નહીં. બીજેપીનો અસહકાર અને રી-ઇન્વેસ્ટિગેશન માટે તોછડો વ્યવહાર તેમ જ એક મહિલા સંઘર્ષ કરતી હોય ત્યારે તેમાં અવરોધ ઊભા કર્યા ત્યારે એવું લાગ્યું કે મારે હવે હરેન પંડ્યાના કાર્યને અપનાવવું જોઈએ અને મારા પતિને ન્યાય અપાવવા બહાર આવી છું અને તેમનાં અધૂરાં સપનાં અને કાર્યોને પૂરાં કરવા ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને એ માટે એલિસબ્રિજ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.’

વ્યક્તિવાદી પક્ષ બની ગયો બીજેપી

જાગૃતિ પંડ્યાએ પ્રેસ-કૉન્ફરન્સમાં બીજેપી સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘બીજેપી હવે પંડિત દીનદયાળની વિચારધારાનો પક્ષ રહ્યો નથી, વિચારધારાને બદલે વ્યક્તિવાદી પક્ષ બન્યો છે ત્યારે પંડિત દીનદયાળની વિચારધારા ધરાવતી ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.’

કેશુભાઈએ આપી પ્રેરણા

‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું હતું કે ‘કેશુભાઈ પટેલ મોભી છે અને આ ઉંમરે તેઓ બહાર આવીને લડાઈ લડી રહ્યા છે તો મારે પણ બહાર નીકળવું જોઈએ એટલે કેશુબાપાને જોઈને મને પ્રેરણા મળી. હવે હું જનતાની વચ્ચે મારી લડાઈ લઈ જઈશ અને જનતા સત્ય અને અસત્ય નક્કી કરશે. મને વિશ્વાસ છે કે મને મત આપીને એલિસ બ્રિજની પ્રજા હરેન પંડ્યાને શ્રદ્ધાંજલિ આપશે.’