ગુજરાતમાં ગ્રામપંચાયતો પછી હવે સાબરમતી જેલમાં ચૂંટણી

30 December, 2011 05:22 AM IST  | 

ગુજરાતમાં ગ્રામપંચાયતો પછી હવે સાબરમતી જેલમાં ચૂંટણી



અમદાવાદ: ગુજરાતની ગ્રામપંચાયતોમાં ગઈ કાલે મતદાન પૂરું થયું હતું ત્યારે બીજી તરફ અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદી પંચાયતની ૯ બેઠકોની ચૂંટણી યોજવા માટે જેલના સત્તાવાળાઓએ જાહેરનામું બહાર પાડ્યું છે.

સાબરમતી જેલના સુપરિન્ટેન્ડન્ટ આર. જે. પારગીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેલમાં કેદી પંચાયતની ચૂંટણી દર વર્ષે યોજાય છે અને એ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે કેદીઓએ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવું હોય તેઓ આજે અને આવતી કાલે ઉમેદવારીપત્ર ભરી શકશે. આ ફૉર્મચકાસણી ૩ જાન્યુઆરીએ થશે તથા ૪ જાન્યુઆરીએ ફૉર્મ પાછું ખેંચવાની તારીખ નક્કી કરવામાં આવી છે. ચૂંટણી માટેની તારીખ હવે પછી નક્કી કરવામાં આવશે. જોકે ગયા વર્ષે  કેદી પંચાયત સમરસ બની હતી.’

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓને તેમનો અવાજ રજૂ કરવા માટે લોકશાહી પદ્ધતિ મુજબ દર વર્ષે કેદી પંચાયતની ચૂંટણી યોજાય છે. ચૂંટણીમાં ઉમેદવારી કરીને જીતેલા ઉમેદવારોને સેવક તરીકે ઓળખવામાં આવે છે અને આ સેવકો જેલના અન્ય કેદીઓનું પ્રતિનિધિત્વ કરે છે. કેદીઓ અને જેલના સત્તાવાળાઓ વચ્ચે તેઓ સેતુરૂપ બને છે. દર અઠવાડિયે એક વખત કેદી પંચાયતના સભ્યોની અને જેલ સુપરિન્ટેન્ડન્ટ સહિતના જેલના સત્તાવાળાઓની એક બેઠક મળે છે, જેમાં કેદીઓના કોઈ પ્રશ્નો-ફરિયાદો હોય તો એ વિશે કેદી પંચાયતના સભ્યો જેલના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરીને પ્રશ્નો ઉકેલે છે.

કેદીઓની ચૂંટણીમાં કોણ ન બની શકે ઉમેદવાર?

નાકોર્ટિક્સ, પોટા કે એવા પ્રકારના ગંભીર ગુનાવાળાઓ, ગૅન્ગ સાથે સંકળાયેલા હોય કે દેશદ્રોહી પ્રવૃત્તિઓ સાથેના ગુનામાં સજા પામેલા હોય તેવા કેદીઓ ઉમેદવારી નોંધાવી શકે નહીં એવા નિયમો છે.

ઉમેદવારની જેલવર્તણૂક સારી હોવી જોઈએ, તેમને સોંપવામાં આવેલાં કામ સંતોષકારક રીતે બજાવેલાં હોવાં જોઈએ, જેલમાં આવ્યા પછી શિસ્ત વિરુદ્ધના કોઈ પણ ગુનામાં પકડાયેલો ન હોવો જોઈએ.

નિયમ પ્રમાણે કોઈ પણ કેદી એક વખત કેદી પંચાયતમાં ચૂંટાઈ આવે તો તે ફરીથી ચૂંટણીમાં ઊભો ન રહી શકે એવો નિયમ છે.

જેલમાં કેદી પંચાયતમાં ચૂંટાઈ આવેલા કેદીઓ જો જેલની અંદર જેલના ગુના કરે અને તેમને જો સજા થાય તો તે સેવકે સભ્યપદ ગુમાવવું પડે છે.