પાલિતાણા ડુંગરના ૩૦૦ વર્ષના ઇતિહાસનો સાવ અનોખો રેકૉર્ડ

05 September, 2012 05:12 AM IST  | 

પાલિતાણા ડુંગરના ૩૦૦ વર્ષના ઇતિહાસનો સાવ અનોખો રેકૉર્ડ

અમદાવાદ: જૈનોના મોટા ર્તીથધામ એવા શેત્રુંજય મહાર્તીથ પાલિતાણામાં એક અનોખી ભક્તિ-આરાધનાની ઘટના બનવા જઈ રહી છે. છેલ્લાં ૩૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર એકસાથે ૨૫૦૦ આરાધકો પાલિતાણાના ડુંગર પર ૧૦૮ વાર ચબ્શે અને ઊતરશે એટલું જ નહીં, આ નવ્વાણું યાત્રા પાલિતાણા ગામમાંથી નહીં, પરંતુ ડુંગર પાછળ આવેલા સિદ્ધવડથી થશે.

અમદાવાદમાં ચાતુર્માસ માટે પધારેલા આચાર્ય ગુણરતનસૂરીશ્વરજી મ.સા. અને આચાર્ય રશ્મિરતનસૂરીશ્વરજી મ.સા.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિતાણામાં જંગલો-પહાડોની વચ્ચે સિદ્ધવડ છે. ત્યાંથી ભગવાન દાદા આદિનાથજી અને ભગવાન મહાવીરસ્વામી સહિત ૨૩ ર્તીથંકરો પહાડ ચડ્યા હતા. આ સ્થળેથી ભગવાન દાદા આદિનાથજીની ટૂંકના ૨૪ કલાક દર્શન થાય છે એ પ્રાચીન તળેટી સિદ્ધવડ, ઘેટી પાગ છે. ત્યાં જંગલમાંથી નવ્વાણું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જૈનોના આ મોટા ધામ શેત્રુંજય મહાર્તીથ પાલિતાણામાં એવી અદ્ભુત ઘટના બનશે જેમાં છેલ્લાં ૩૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર એકસાથે ૨૫૦૦ આરાધકો આ નવ્વાણું યાત્રામાં જોડાશે અને ૫૫ દિવસની આ યાત્રામાં આરાધકો દિવસમાં બે વાર એમ કુલ ૧૦૮ વાર પહાડ ચડશે અને ઊતરશે.’

આચાર્ય રશ્મિરતનસૂરીશ્વરજી મ.સા.એ કહ્યું હતું કે ‘ભગવાન આદિનાથજી પોતે અસંખ્ય વર્ષ પૂર્વે ૯૯ પૂર્વવાર એટલે જૈન ગણિત પ્રમાણે ૫૯,૮૪,૪૪૦ અબજ વાર આ ડુંગર પર ચડ્યા હતા એટલે આ યાત્રાને નવ્વાણું યાત્રા કહેવામાં આવી રહી છે. ૨૫૦ જેટલાં સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં યોજાનારી આ નવ્વાણું યાત્રામાં આરાધકો પહાડ પર જઈ ભગવાનની પૂજા-અર્ચના કરશે. તેમને બપોરે એક વાર જમવાનું મળશે અને જમીન પર સૂવાનું રહેશે. અજવાળું થતાં પહેલાં કોઈને પાણી નહીં અપાય અને સૂર્યાસ્ત પછી પાણી નહીં અપાય. આ નવ્વાણું યાત્રામાં ગુજરાત ઉપરાંત ભારતભરમાંથી તેમ જ અમેરિકાથી પણ શ્રાવકો જોડાશે. આ યાત્રા ૨૮-૧૧-’૧૨થી ૧૯-૧-’૧૩ દરમ્યાન યોજાશે. આ યાત્રાના ૧૮૦૦ જેટલાં ફૉર્મ ભરાઈને પાછાં પણ આવી ગયાં છે. અમદાવાદમાં ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે આવેલા શ્રી વર્ધમાન જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘથી તેમ જ ગુજરાતનાં અનેક સ્થળોએથી અને મુંબઈમાં વર્ધમાન સંસ્કારધામનાં કેન્દ્રો પરથી યાત્રામાં જોડાવા માટે ફૉર્મ મળશે.

આચાર્ય રશ્મિરતનસૂરીશ્વરજી મ.સા.એ કહ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં આવી યાત્રા થઈ હતી, જેમાં ૨૨૦૦ શ્રાવકો જોડાયા હતા, પરંતુ પ્રથમ વાર ૨૫૦૦ આરાધકો જોડાશે. આ યાત્રાનું આયોજન મંડારનિવાસી અસુબહેન રુગનાથમલ સમરતમલ દોશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.

પાલિતાણાના જંગલમાં ૨૦૦૦ વર્ષ પહેલાંની નગરી ઊભી થશે

પાલિતાણામાં યોજાનારી નવ્વાણું યાત્રામાં સિદ્ધવડથી યાત્રા શરૂ થવાની છે. ત્યાં સાધુ-સાધ્વીજીઓ અને ૨૫૦૦ આરાધકો સહિતના યાત્રાળુઓ માટે ખાસ ૨૦૦૦ વર્ષ જૂની નગરી ઊભી કરવામાં આવશે. એમાં લીંપણથી કુટિરો બનાવવામાં આવશે. આ સ્થળે જૈન ધર્મનાં મૂલ્યોની આર્ટ ગૅલેરી બનાવવામાં આવશે. પાલિતાણાનો ઇતિહાસ પણ આ આર્ટ ગૅલેરીમાં મૂકવામાં આવશે.