કચ્છના હરામી નાળામાંથી પાકિસ્તાની બોટ મળી આવી: સઘન તપાસ ચાલુ

15 December, 2019 10:41 AM IST  |  bhuj

કચ્છના હરામી નાળામાંથી પાકિસ્તાની બોટ મળી આવી: સઘન તપાસ ચાલુ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવ્યા બાદ પાકિસ્તાન સાથેના વણસેલા સંબંધો અને કાશ્મીરની સ્ફોટક સ્થિતિને પગલે કચ્છ સહિત દેશની પાકિસ્તાની બોર્ડર ઉપર હાઈ અલર્ટ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની ક્રીક સીમાએથી હરામી નાળા વિસ્તારમાંથી શનિવારે વહેલી સવારે પાકિસ્તાની બોટ મળી આવી હતી. બોટ તરતી આવી છે કે ઘૂસણખોરોને પકડવામાં બીએસએફ નાકામ રહ્યું છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ હાઇપર સિક્યૉરિટીના દાવા વચ્ચે કચ્છસ્થિત બીએસએફની ઇન્ટેલિજન્સ એજન્સીનું નબળું કામ ફરી એકવાર સામે આવ્યું છે.

બીએસએફના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે  ઇન્ડો-પાક બોર્ડરના અંતિમ પીલર ૧૧૭૫થી થોડે દૂર આવેલા હરામી નાળા વિસ્તારમાંથી સિંગલ એન્જિનવાળી એક ફિશિંગ બોટ ભારતીય એરિયામાં જોવા મળી હતી. બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીએ તરત જ બોટને કબજામાં લઈને સમગ્ર હરામી નાળા વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું, પરંતુ કોઈ નાપાક તત્વો ઝડપાયા નહોતા. બોટમાંથી કોઈ જોખમી સામાન ન હોવાનો દાવો પણ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવ્યો હતો.
અતિ સંવેદનશીલ ક્રીક વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પાકિસ્તાની બોટ કેવી રીતે ભારતીય સીમામાં  આવી ગઈ, તેમાં કેટલા લોકો હતા, બોટના લોકો સરહદી સીમા દળની પેટ્રોલિંગ પાર્ટીને જોઈને નાસી ગયા કે તેમના મનસૂબાને પાર પાડી પરત પાકિસ્તાન ચાલ્યા ગયા વગેરે જેવા પ્રશ્નોના જવાબની હાલ પ્રતીક્ષા થઈ રહી છે.

bhuj kutch pakistan