કચ્છમાં પકડાઈ પાકિસ્તાની બોટ- ૧૧ માછીમારોની ધરપકડ

12 December, 2025 10:16 AM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

ભારતની જળસીમામાં ઘૂસણખોરી કરી રહેલી પાકિસ્તાનની એક બોટને કોસ્ટ ગાર્ડે ગુરુવારે જપ્ત કરી લીધી હતી

બુધવારે કોસ્ટ ગાર્ડે કચ્છના જખૌ પાસે ભારતીય જળસીમામાં ૧૧ પાકિસ્તાની માછીમારો સાથેની બોટને પકડી હતી.

ભારતની જળસીમામાં ઘૂસણખોરી કરી રહેલી પાકિસ્તાનની એક બોટને કોસ્ટ ગાર્ડે ગુરુવારે જપ્ત કરી લીધી હતી. આ બોટમાં સવાર ૧૧ લોકોને પણ પકડી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા ભારતીય જળક્ષેત્રમાં ગેરકાનૂની રીતે માછલી પડકવાના બહાને ઘૂસેલી પાકિસ્તાનની બોટને જપ્ત કરવામાં આવી છે. આ પાકિસ્તાની માછીમારો છે જેઓ ભારતીય સીમામાં આવી પહોંચ્યા હતા. 

હવે કચ્છની સ્થાનિક પોલીસ આ માછીમારોની પૂછપરછ કરશે. બોટનું નામ ‘અલ વલી’ હતું અને કચ્છના જખૌ સમુદ્રક્ષેત્રમાં ઘૂસી આવી હતી. આ નાવની તપાસ દરમ્યાન ભારતીય નૌસેનાને હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. 

૨૦૦૮માં મુંબઈમાં થયેલા હુમલામાં આતંકવાદીઓ સમુદ્રના રસ્તે ઘૂસ્યા હતા એટલે કોઈ પણ શંકાસ્પદ બોટ પાકિસ્તાનથી ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરે ત્યારે કોસ્ટ ગાર્ડના જવાનોએ સતર્ક રહેવું જરૂરી છે.

gujarat news Gujarat Crime kutch gujarat government pakistan