ઊંઝામાંથી કલર ભેળવેલી વરિયાળીનો ૩૫૪૮ કિલો જથ્થો પકડાયો

23 May, 2026 09:57 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ગણપત ક્લીનિંગ ફૅક્ટરીમાં વરિયાળીને આકર્ષક બનાવવા પ્રતિબંધિત રંગ ભેળવવામાં આવતો હતો : ઔષધીય નિયમન તંત્રે દરોડો પાડીને વરિયાળીના જથ્થા સાથે ૧૪૦ કિલો લીલો કલર કર્યો કબજે

કલરવાળી વરિયાળીના જથ્થા સાથે ફૂડ સેફ્ટી ઑ​ફિસર્સની ટીમ

જીરું-વરિયાળી માટે દેશદુનિયામાં ખ્યાતિપ્રાપ્ત ઉત્તર ગુજરાતના ઊંઝામાંથી લીલો કલર કરેલી વરિયાળીનો ૩૫૪૮ કિલો જથ્થો ગઈ કાલે ઔષધીય નિયમન તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ પ્રતિબંધિત ૧૪૦ કિલો કલર પણ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વૉડ દ્વારા મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા ખાતે ઔષધીય નિયમન તંત્ર દ્વારા ગણપત ક્લીનિંગ ફૅક્ટરીમાં તપાસ કરીને વરિયાળીમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ કરતા રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. ફૂડ સેફ્ટી ઑફિસર્સની ટીમે સ્થળ પર કાયદેસરની કાર્યવાહી કરી હતી. એમાં વરિયાળીને આકર્ષક લીલો રંગ આપવા માટે પ્રતિબંધિત કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ષડયંત્ર પકડાયું હતું. ફૅક્ટરીમાંથી અંદાજે ૩.૩૦ લાખ રૂપિયાનો ૩૫૪૮ કિલો વરિયાળીનો છૂટક જથ્થો તેમ જ ભેળસેળ કરવા માટે વપરાતો લીલા કલરનો ૧૪૦ કિલો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ફૅક્ટરી પાસે ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી ફૂડ લાઇસન્સ પણ નહોતું. અધિકારીઓએ જથ્થો સીઝ કરી નમૂના લઈને તપાસ માટે લૅબોરેટરીમાં મોકલ્યો છે. 

gandhinagar Crime News Gujarat Crime gujarat gujarat news gujarat police crime branch