હવે નરેન્દ્ર મોદી ને શ્વેતા ભટ્ટ વચ્ચે સીધી ટક્કર

04 December, 2012 06:35 AM IST  | 

હવે નરેન્દ્ર મોદી ને શ્વેતા ભટ્ટ વચ્ચે સીધી ટક્કર




ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર પ્રવીણ પટેલે અમદાવાદની મણિનગર બેઠક ઉપરથી પોતાનું ઉમેદવારી પત્રક પાર્ટીના આદેશથી પાછું ખેંચી લેતાં હવે આ બેઠક પર ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉન્ગ્રેસનાં મહિલા ઉમેદવાર તથા સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટ વચ્ચે સીધી ટક્કર થશે. જોકે મણિનગર બેઠક ઉપર હજી અન્ય પક્ષ અને એક અપક્ષ સહિત ૧૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

રવિવારે શ્વેતા ભટ્ટે ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ કેશુભાઈ પટેલને તેમનો ઉમેદવાર પાછો ખેંચવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે ‘આ ચૂંટણી હું મારા માટે નહીં ગુજરાત વતી લડી રહી છું, નરેન્દ્ર મોદી સામેની લડાઈમાં મને સહકાર આપો.’

આ અપીલ કામે લાગી છે અને ગુજરાત પરિવર્તન પાર્ટીએ મણિનગરની બેઠક ઉપરથી તેમના ઉમેદવારનું ફૉર્મ ગઈ કાલે પરત ખેંચાવી લીધું હતું.

ફૉર્મ પાછું ખેંચવાનું કારણ પૂછતાં જીપીપીના ઉમેદવાર પ્રવીણ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું કે મારે કૉન્ગ્રેસ સાથે કોઈ લેવા-દેવા નથી, પણ પાર્ટીના આદેશને કારણે ફૉર્મ પાછું ખેંચ્યું છે. જીપીપી માટે ગઈ કાલે શૉકિંગ બાબત એ રહી કે ચાણસ્મા, મહેસાણા, ઊંઝા, બાયડ અને દહેગામની બેઠક ઉપરથી પણ જીપીપીના ઉમેદવારોએ પણ તેમનાં ઉમેદવારી ફૉર્મ પાછાં ખેંચ્યાં હતાં. ઉમેદવારોએ ફૉર્મ પરત કેમ ખેંચ્યાં એ બાબતે જીપીપીના પ્રદેશ મહામંત્રી ગોરધન ઝડફિયા અને પ્રદેશ સિનિયર ઉપાધ્યક્ષ સુરેશ મહેતાનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો, પણ તેઓ મળી શક્યા નહોતા.

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી