હવે માર્કેટમાં મળશે ખાદી-ડેનિમ

18 October, 2011 05:41 PM IST  | 

હવે માર્કેટમાં મળશે ખાદી-ડેનિમ

 

(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૧૮

રાજકોટની સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ બનાવેલું આ કાપડ ડેનિમ મૅન્યુફૅક્ચરર્સમાં એક્સપર્ટ ગણાતી અરવિંદ મિલ્સ ખરીદશે અને એનાં જીન્સનું માર્કેટમાં વેચાણ કરશે

કંપની આ ખાદી-ડેનિમમાંથી જીન્સ બનાવશે અને એ જીન્સનું માર્કેટિંગ કરશે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ચૅરમૅન દેવેન્દ્ર દેસાઈએ કહ્યું હતું કે ‘નવી જનરેશનમાં ખાદી પૉપ્યુલર કરવા માટે બનાવવામાં આવેલી ખાદી-ડેનિમ જોયા પછી અરવિંદ મિલ્સે દર મહિને ૫૦૦૦ મીટર ખાદી-ડેનિમ ખરીદવાની તૈયારી દર્શાવી છે. નેક્સ્ટ વીક અમે આ બાબતનો કૉન્ટ્રૅક્ટ સાઇન કરીશું.’

ખાદી-ડેનિમમાંથી બનનારી પ્રોડક્ટ શરૂઆતમાં ગુજરાત, મુંબઈ, દિલ્હી, કલકત્તા અને ચેન્નઈમાં વેચાશે અને ત્યાર પછી દેશના બાકીના ભાગોમાં એનું માર્કેટિંગ કરવામાં આવશે. ખાદી-ડેનિમના જીન્સની રીટેલ પ્રાઇસ ૫૦૦થી ૧૨૫૦ રૂપિયા વચ્ચે રહેશે.

ખાદી-ડેનિમ શું છે?

ખાદીમાંથી જ બનતી ખાદી-ડેનિમની જાડાઈ અન્ય ખાદી કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે. આ ખાદી બનાવવા માટેની પ્રોસેસ ચરખા પર જ થાય છે, પણ એને ત્રણ વાર વણવામાં આવે છે અને ત્યાર પછી ખાદી-ડેનિમ તૈયાર થાય છે. ખાદી-ડેનિમ બ્લુ ઉપરાંત અન્ય પાંચ કલરમાં પણ ઉપલબ્ધ છે.