ન તો ભાગવત મોદીને મળ્યા કે ન મોદી તેમને મળવા રાજકોટ આવ્યા

03 November, 2011 07:30 PM IST  | 

ન તો ભાગવત મોદીને મળ્યા કે ન મોદી તેમને મળવા રાજકોટ આવ્યા



બે દિવસ માટે રાજકોટ આવેલા આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના સુપ્રીમો મોહન ભાગવતને મળવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે એવી ધારણા મુકાતી હતી, પણ ન તો મોદી રાજકોટ આવ્યા કે ન તો સંઘસુપ્રીમો ભાગવત તેમને મળવા માટે ગાંધીનગર ગયા. જોકે આ બાબત મોહન ભાગવતે ‘મિડ-ડે’ પાસે એવી સ્પષ્ટતા કરી હતી કે હું માત્ર મનની શાંતિ માટે રાજકોટ આવ્યો છું એટલે મારે કોઈને મળવું નહોતું.


કોઈને નહીં મળવાની વાત કરનારા સંઘના વડા ગઈ કાલે સંઘના ગુજરાતના પ્રાન્ત-સંચાલક પ્રવીણ મણિયાર અને વિશ્વ હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડિયાને મળ્યા હતા અને બન્ને સાથે બંધબારણે મીટિંગ કરી હતી. સંઘના પ્રાન્ત-સંચાલક પ્રવીણ મણિયારે કહ્યું હતું કે જે કોઈ ચર્ચા થઈ છે એ અંગત ચર્ચા છે, જેની સાથે અન્ય કોઈને નિસબત નથી.


સંઘસુપ્રીમો આ ઉપરાંત અલગ-અલગ ધર્મના સંત અને ધર્મવડાઓને પણ મળ્યા હતા. બીજેપી સાથે સંકળાયેલી એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ મીટિંગ દરમ્યાન મુખ્યત્વે લોકસભાના આગામી ઇલેકશન વિશે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ગુજરાતના પ્રવર્તમાન રાજકારણ વચ્ચે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી કેવી રહી છે એવી પણ તેમણે જાણકારી મેળવી હતી.’


રાજકોટથી ગઈ કાલે સાંજની ફ્લાઇટમાં મુંબઈ પહોંચેલા મોહન ભાગવત હવે પછી શું ઍક્શન લે છે એના પર મોટા ભાગના રાજકીય વિશેષજ્ઞોની નજર રહેશે.