જ્યાં ગંદકી ત્યાં અધિકારીને ઑફિશ્યલ દંડ

20 December, 2014 05:29 AM IST  | 

જ્યાં ગંદકી ત્યાં અધિકારીને ઑફિશ્યલ દંડ



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા મિશનની સાથે અનેક સેલિબ્રિટી સાવરણી લઈને જોડાઈ ચૂકી છે, પણ એનાથી સ્વચ્છતાની કોઈ ગૅરન્ટી ઊભી નથી થવાની એ પણ હકીકત છે, પણ રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જે સ્ટેપ લીધું છે એનાથી રાજકોટ ચોખ્ખુંચણાક થઈ જાય એની ગૅરન્ટી સો ટકા છે. ગઈ કાલે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ સત્તાવાર રીતે એવો આદેશ પસાર કર્યો છે કે શહેરના જે વૉર્ડમાં ગંદકી દેખાય એ વૉર્ડના સૅનિટરી ઇન્સ્પેક્ટરને ઑફિશ્યલ એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. સૅનિટરી ઇન્સ્પેક્ટરને આ પ્રકારે સફાઈ ન થઈ હોવાના મામલે દંડ કરવામાં આવે એવું દેશમાં સૌપ્રથમ વાર સોમવારથી રાજકોટમાં બનશે. વિજય નેહરાએ કહ્યું હતું કે ‘સફાઈ રાખવી એ નાગરિકો માટે ધર્મ છે, પણ અધિકારીઓનું એ કર્મ છે. ધર્મ ચૂકે એ ચાલે, પણ કર્મ ચૂકે તો સજા ભોગવવી પડે એવા હેતુથી આ નિર્ણય લીધો છે.’

રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા લેવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણયની સાથે જ મ્યુનિસિપલ કમિશનરે એ નિયમની રૂપરેખા પણ બનાવી છે. એ મુજબ જો એક જ વિસ્તારમાં એક જ વીકમાં ત્રણ વખત ગંદકીને કારણે અધિકારી પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે. વિજય નેહરાએ કહ્યું હતું કે ‘જે સેલિબ્રિટી સફાઈની વાતો કરે છે તે સામાન્ય નાગરિકોની જાગરૂકતા માટે છે. એનાથી અધિકારીઓએ એવું ધારી લેવાની જરૂર નથી કે હવે નાગરિકો જાતે બધી સફાઈ કરી લેશે. સફાઈનું કામ અધિકારીઓનું જ છે અને તેમણે જ એ કરવાનું છે.’