મોરારીબાપુની રામકથા માટે શ્રોતાએ કેમ રોજના ૧૦૦ રૂપિયા આપવા પડશે?

08 December, 2014 04:22 AM IST  | 

મોરારીબાપુની રામકથા માટે શ્રોતાએ કેમ રોજના ૧૦૦ રૂપિયા આપવા પડશે?


રશ્મિન શાહ

ધોરડોમાં જ્યાં મોરારીબાપુની રામકથા છે ત્યાં જવા માટે BSF દ્વારા બનાવવામાં આવેલું ભીરંડિયારા નાકું પાર કરીને જવાનું હોય છે અને આ નાકા પર સો રૂપિયાની ફી લેવામાં આવે છે. આ વિસ્તારમાં જવા માટે બીજો કોઈ રસ્તો નથી એટલે સૌકોઈએ ભીરંડિયારા નાકું પાર કરીને જવું પડે અને ત્યાં માથાદીઠ સો રૂપિયાની ફી લેવામાં આવે.

મોરારીબાપુની રામકથામાં હજારો શ્રોતા આવતા હોય છે અને શ્રોતાઓ માટે એ કથાનું શ્રવણ નિશુલ્ક હોય છે, પણ આ વખતે બનશે એવું કે કથાના સ્થળ સુધી પહોંચવા માટે જ સૌથી પહેલાં શ્રોતાએ સો રૂપિયાનો દૈનિક પાસ લેવો પડશે અને એ પાસ લેશે તે પછી જ આગળ વધી શકશે. કથા આયોજક સમિતિના સભ્ય ઘનશ્યામ જોષીએ કહ્યું હતું કે ‘કથા સાંભળવા આવનારા લોકોએ પાસ ન લેવો પડે એ માટે અમે BSFને રજૂઆત કરવાના છીએ. રજૂઆત પછી તેમનો જે નર્ણિય હશે એ અમને મંજૂર હશે.’

માફી કોઈને નહીં

પ્રધાન સ્તરની વ્યક્તિઓને બાદ કરતાં અગાઉ ક્યારેય BSFની ચોકી પર કોઈને માફી આપવામાં આવી હોય એવું બન્યું નથી. સેલિબ્રિટીના પણ હંમેશાં પાસ લેવાતા રહ્યા છે. ગુજરાત ટૂરિઝમની સફેદ રણની ઍડ-ફિલ્મ શૂટ થઈ એ સમયે પણ માત્ર ચાર જ વ્યક્તિઓને પાસમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જ્યારે અન્ય સૌના પાસ લેવામાં આવતા હતા.