સુરત : એક કલાકના નવજાત શિશુને નિર્દયી માતાએ ત્રીજા માળેથી નીચે ફેંક્યું

26 October, 2012 10:29 AM IST  | 

સુરત : એક કલાકના નવજાત શિશુને નિર્દયી માતાએ ત્રીજા માળેથી નીચે ફેંક્યું



સુરત : તા, 26, ઓક્ટોબર


સુરતના વરાછાના પૂણા વિસ્તારમાં અજમલ પેલેસના ત્રીજા માળે 307 નંબરના ફ્લેટમાં મૂળ વેરાવળના વતની એવા જીતેશભાઈ મનસુખભાઈ સાપરીયાનો પરિવાર રહે છે. જીતેશભાઈના લગ્ન તેમની નજીકમાં જ રહેતી પૂજા નામની સાથે ગત ફેબ્રુઆરી મહિનામાં જ થયાં હતાં. જીતેશ અને પૂજાના આ પ્રેમલગ્ન હતાં. લગ્ન બાદ પૂજા ગર્ભવતી બની હતી અને પુરા નવ મહિના બાદ તેને એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે બાળકને જન્મ આપ્યાને તરત જ પૂજાએ આ બાળક ત્રીજા માળેથી નીચે ફેંકી દીધું હતું. જેનું મૃત્યું નિપજ્યું હતું. 




અજમલ પેલેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને ગઈ કાલે ગુરુવારની રાત્રે કોઈ વજનદાર વસ્તુ જમીન પર પછડાયાનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં જઈ તપાસ કરતા એક નવજાત બાળક હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ બાળક ઈમારતના ત્રીજા માળે આવેલા 307 નંબરમાંથી ફેંકવામાં આવ્યું છે. અજમલ પેલેસના રહેવાસીઓએ લોહીલુહાણ નવજાત બાળકને તુરંત જ 108 એમ્બુલન્સ બોલાવી નજીકમાં આવેલી સ્મીમોર હોસ્પિટલમાં દાખલ કર્યું હતું, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યું નિપજ્યું હતું.

પૂણા પોલીસ મથકના પી.આઈ એમ એન પરમારે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરતા બાળકની માતા પૂજાએ આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો. પૂજાએ તપાસમાં જણાવ્યું હતું કે તેના પતિ અને સાસરિયા પક્ષના કોઈ જ સભ્યોને પોતે ગર્ભવતી હોવાની જાણ ન હતી. તેથી તેણે બાળકને બાથરૂમમાં જન્મ આપ્યા બાદ બાથરૂમની બારીમાંથી જ નીચે ફેંકી દીધું હતું.

પરમારના જણાવ્યા પ્રમાણે ઘરમાં જ બાળકને જન્મ આપ્યો હોવા છતાં ઘરના સભ્યો અજાણ હોવાનો પૂજાનો આ તર્ક ગળે ઉતર્યો ન હતો. તેથી પોલીસે પુજાના પતિ, તેના સાસરિયા, આસપાસ રહેતા સગા સંબંધીઓ અને પાડોશીઓની પણ પુછપરછ કરી હતી. પૂજાની માતા જયશ્રીબેને પણ પૂજા ગર્ભવતી હોવાની વાત અંગે અજાણતા દર્શાવતા પોલીસને ભારે આશ્ચર્ય થયું હતું. પોલીસે પૂજા સાસરિયાના દબાણને લઈને ખોટુ બોલી રહી હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.