પંચાવન વર્ષના બોમી જાગીરદાર 4500 કિલોમીટરના સાઇકલ પ્રવાસે

13 November, 2019 01:41 PM IST  |  Navsari | Ronak Jani

પંચાવન વર્ષના બોમી જાગીરદાર 4500 કિલોમીટરના સાઇકલ પ્રવાસે

બોમી જાગીરદારને તેમની ફિટ ઇન્ડિયાની સફર માટે શુભેચ્છા આપતાં સંસદસભ્ય સી. આર. પાટીલ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવા માટે તેમ જ  ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને લઈને લોકોમાં જાગૃતિ આવે એ માટે ૧૨ સાઇક્લિસ્ટ ૧૫ નવેમ્બરે કાશ્મીર શ્રીનગરના લાલચોકથી તિરંગો લહેરાવી ૪૫૦૦ કિલોમીટરની સાઇકલ યાત્રાએ નીકળશે. ૧૫ દિવસની કઠિન યાત્રામાં ગુજરાતમાંથી એકમાત્ર નવસારીના પંચાવન વર્ષના પારસી અગ્રણી બોમી જાગીરદાર જોડાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા ઑગસ્ટ મહિનામાં દિલ્હીથી ફિટ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ભારતનો દરેક નાગરિક સ્વસ્થ રહે એવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલા ફિટ ઇન્ડિયા અભિયાનને સફળ બનાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનને સફળ બનાવવા અને લોકોને તેમના સ્વાસ્થ્યને લઈને જાગૃત કરવાના હેતુથી ૧૫ નવેમ્બરે ૧૨ સાઇક્લિસ્ટ કાશ્મીરના શ્રીનગર ખાતે લાલચોકથી તિરંગો લહેરાવી ૪૫૦૦ કિલોમીટરની સાઇકલ યાત્રાએ નીકળશે.

રોજના ૩૦૦ કિલોમીટરનું અંતર કાપવાની તૈયારી સાથે ૧૫ દિવસની કઠિન યાત્રામાં જોડાયેલા ૧૨ સાઇક્લિસ્ટ પૈકી ગુજરાતમાંથી એકમાત્ર નવસારીના બોમી જાગીરદાર જોડાશે, પારસી સમાજમાંથી આવતા બોમી જાગીરદાર પંચાવન વર્ષના છે. વ્યવસાયે તાતા સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. પીટીના શિક્ષક તરીકે બાળકોને કાયમ રમતગમત અને ફિટનેસ માટે તૈયાર કરતા આવ્યા છે. તેમણે જુડો, કુસ્તી અને વેઇટલિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલો મેળવ્યા છે.

આ પણ વાંચો : રાજકોટ ઝૂમાં પહેલી વાર હિમાલયન રીંછ, વિદેશી વાનર સાથે નવાં પક્ષીઓ જોવા મળશે

તેમની ફિટનેસ માટે વાત કરીએ છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે ૫૦થી ૫૫ વર્ષની ઉંમર દરમ્યાન અમદાવાદ ખાતે યોજાતી સાબરમતી સાઇક્લોથૉનમાં સતત બે વર્ષ પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેળવ્યા છે. હાલમાં કૅન્સર અવેરનેસ માટે દિલ્હીથી મુંબઈ સુધી ૧૫૦૦ કિલોમીટર સુધીની સાઇકલ સફર ૭ દિવસમાં પૂર્ણ કરી હતી. નવસારી ખાતે સંસદસભ્ય સી. આર. પાટીલ, ધારાસભ્ય પીયૂષ દેસાઈ અને શહેરના આગેવાનોએ બોમી જાગીરદારને તેમની યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી.  

navsari gujarat