નવસારી અને વલસાડ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ

14 July, 2024 09:13 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતના ૬૯ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ૨૨ તાલુકાઓમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં ગઈ કાલે મેઘરાજા ઓળઘોળ થયા હોવાનું ચિત્ર ઊપસ્યું હતું અને નવસારી અને વલસાડ ​જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. મેઘરાજાએ આ બે જિલ્લાઓને ધમરોળ્યા હતા. સવાર-સવારમાં નવસારીના ગણદેવીમાં ચાર કલાકમાં છ ઇંચ જેટલો મુશળધાર તો વલસાડમાં બે કલાકમાં ત્રણ ઇંચ સાથે કુલ છ ઇંચ જેટલો ધોધમાર અને  ખેરગામમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું હતું એટલું જ નહીં, ભારે વરસાદને પગલે જલાલપોરનું ખરસાડ ગામ બેટમાં ફેરવાયું હતું. સાંજે ૬ વાગ્યા સુધીમાં તાપી, નર્મદા, સુરત, દાહોદ, ભરૂચ, આણંદ સહિત ગુજરાતના ૬૯ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ૨૨ તાલુકાઓમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

gujarat news valsad navsari monsoon news indian meteorological department