પ્રાઇમરી સ્કૂલોમાં ટૉઇલેટની સુવિધા વિશેના ગુજરાતના ડેટા જરા પણ ભરોસાપાત્ર નથી

13 November, 2014 06:01 AM IST  | 

પ્રાઇમરી સ્કૂલોમાં ટૉઇલેટની સુવિધા વિશેના ગુજરાતના ડેટા જરા પણ ભરોસાપાત્ર નથી




ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં ટૉઇલેટ અને પીવાના પાણીની સુવિધા  વિશે રાજ્ય સરકારે આપેલી માહિતીને બિનભરોસાપાત્ર ગણાવતાં કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (CAG)એ જણાવ્યું છે કે આ માહિતીની સચ્ચાઈની ખરાઈ થવી જોઈએ, કારણ કે એને શિક્ષણના અધિકારના અમલીકરણ સાથે સંબંધ છે.

ગુજરાતના ૧૦ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતો દ્વારા ચલાવવામાં આવતી ૧૪,૭૯૭ પ્રાથમિક સ્કૂલોનું કમ્પ્લાયન્સ ઑડિટ CAGએ કર્યું હતું. આ ઉપરાંત ૩૦૦ પ્રાથમિક સ્કૂલોમાં ફીલ્ડ વિઝિટ પણ કરી હતી. શિક્ષણના અધિકારના અમલીકરણ સંબંધે માળખાકીય સુવિધા અને માનવ વિકાસ સંસાધન વિશેની ખરાઈ કરવાના હેતુસર આ કામગીરી કરવામાં આવી હતી.

ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા કુલ ૩૧,૫૪૫ પ્રાઇમરી સ્કૂલ્સ ચલાવવામાં આવે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશેનો CAGનો કમ્પ્લાયન્સ રિપોર્ટ માર્ચ-૨૦૧૩માં પૂરા થયેલા વર્ષનો છે. આ રિપોર્ટ મંગળવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

CAGના રિપોર્ટના તારણ અનુસાર ફીલ્ડ વિઝિટમાં આવરી લેવાયેલી શાળાઓ પૈકીની ૨૬માં બૉય્સ અને ગર્લ્સ માટે અલગ-અલગ ટૉઇલેટ્સ ન હતાં. ૪૫ સ્કૂલ્સમાં ટૉઇલેટ્સ ઉપયોગ કરી શકાય એવી સ્થિતિમાં ન હતાં અને ૩૫ સ્કૂલ્સમાં ટૉઇલેટ્સમાં પાણી આવતું ન હતું.

ગુજરાતની ૧૨,૬૫૨ પ્રાથમિક સ્કૂલોમાં પૂરતા ક્લાસ જ નથી

ગુજરાતમાં શિક્ષણની અવદશા બેઠી હોય એમ ગુજરાતમાં ૨૬ જિલ્લા અને ૪ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૧૨,૬૫૨ પ્રાથમિક સ્કૂલોમાં પૂરતા વર્ગખંડના અભાવે એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને એક ઓરડામાં બેસાડવામાં આવતા હોવાનું ખુદ ગુજરાતના શિક્ષણ વિભાગે કબૂલ કર્યું છે.

જસદણના વિધાનસભ્ય ભોળાભાઈ ગોહેલે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે આપેલા જવાબ પ્રમાણે ૩૧-૦૩-૨૦૧૪ની સ્થિતિએ ગુજરાતમાં ૨૬ જિલ્લા અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ કૉર્પોરેશનમાં કુલ ૧૨,૬૫૨ પ્રાથમિક સ્કૂલોમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને એક ઓરડામાં બેસાડવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ ૧૫૮૩ પ્રાથમિક સ્કૂલો વડોદરા જિલ્લામાં છે જેમાં એક જ ઓરડામાં જુદાં-જુદાં ધોરણોના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. ગુજરાતના ૨૪ જિલ્લાઓમાં તો જિલ્લાદીઠ ૨૦૦ કે એથી વધુ સ્કૂલોમાં વર્ગખંડના અભાવે એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને એક ઓરડામાં બેસાડવામાં આવે છે જ્યારે ૧૧ જિલ્લાઓમાં જિલ્લાદીઠ ૫૦૦ કે એથી વધુ પ્રાઇમરી સ્કૂલોમાં વર્ગખંડના અભાવે જુદાં-જુદાં ધોરણોના વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે.