નર્મદા ડૅમમાંથી પાણી છોડાતાં માછીમારોને 100 કરોડની આવક થઈ

31 August, 2019 07:42 AM IST  |  નર્મદા

નર્મદા ડૅમમાંથી પાણી છોડાતાં માછીમારોને 100 કરોડની આવક થઈ

સરદાર સરોવર ડેમ

ભરૂચનાં શુક્લતીર્થથી હાંસોટ સુધીના પટમાં આવેલા નર્મદા નદીકિનારે વસતા માછીમાર સમાજના પરિવારોનું જીવન ચોમાસાની ઋતુમાં આવતી હિલસા માછલીના શિકાર પર નિર્ભર હોય છે. ત્યારે હાલમાં ભરૂચ જિલ્લામાં પાંચ હજારથી વધુ માછીમારો ૧૫૦૦થી વધુ બોટ લઈને દરિયામાં ગયાં છે. છેલ્લા ત્રણ જુવાળમાં માછીમારોને ૧૦૦ કરોડથી વધુનો વેપલો થયો છે. ત્યારે હાલમાં ચોથા જુવાળમાં તેમને ૨૦થી ૩૦ કરોડની આવકની આશા બંધાઈ છે. ભરૂચના નર્મદા નદીકિનારે વસતા માછીમાર સમાજના પરિવારો ચોમાસાની ઋતુમાં હિલસા માછલીનો શિકાર કરી આખા વર્ષની આજીવિકા મેળવે છે, જેમાં તેમના પરિવારની રોજિંદી જરૂરિયાતો સહિત બાળકોનાં શિક્ષણ, લગ્ન-મરણના પ્રસંગો સહિતના તમામ ખર્ચાઓ હિલસાની માછીમારીથી મેળવે છે.

નર્મદા ડૅમમાંથી છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીની આવક બંધ થતાં સાગરખેડુઓની આજીવિકાનો પ્રશ્ન સર્જાયો હતો. જોકે આ વર્ષે ડૅમમાંથી પાણી છોડાતાં સાગરખેડુઓ હરખાયા છે. આ વર્ષે માછીમારોએ પહેલા ત્રણ જુવાળમાં દરિયો ખેડતાં ૧૦૦ કરોડથી વધુની આવક મેળવી છે.

આ પણ વાંચોઃ છલકાયો સરદાર સરોવર ડેમ, જળસપાટી થઈ 133.06 મીટર

જ્યારે હાલમાં અમાસની ભરતી હોઈ હાલમાં પાંચ હજારથી વધુ સાગરખેડૂઓ ૧૫૦૦થી વધુ બોટ લઈને દરિયામાં ગયાં છે. છેલ્લા ત્રણ જુવાળમાં સારી આવક થઈ હોવાને કારણે અમાસની મોટી ભરતીમાં માછીમારોને ૨૦થી ૩૦ કરોડની આવક થાય એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

gujarat news