કેન્દ્ર સરકારે ૧.૩૯ લાખ મકાનો માટે નાણાં આપ્યાં અને મોદીએ બનાવ્યાં માત્ર ૫૫,૦૦૦

09 December, 2012 08:14 AM IST  | 

કેન્દ્ર સરકારે ૧.૩૯ લાખ મકાનો માટે નાણાં આપ્યાં અને મોદીએ બનાવ્યાં માત્ર ૫૫,૦૦૦




કેન્દ્રીય શહેરી વિકાસ અને ગરીબી ઉન્મૂલન પ્રધાન અજય માકને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતના મુખ્ય પ્રધાન મકાનો બાંધવાના મુદ્દે જનતાની ભાવના સાથે રમત કરી રહ્યા છે. બીજેપીની સરકારે પૂરતાં મકાનો નથી બનાવ્યાં.’

અમદાવાદમાં શુક્રવારે પ્રેસ-કૉન્ફરન્સમાં માકને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી કહે છે કે કેન્દ્ર સરકાર ભેદભાવ કરે છે. કેન્દ્ર સરકારે ૨૪૯૨ કરોડ રૂપિયા મકાન બનાવવા ગુજરાત સરકારને મંજૂર કરી આપ્યા હતા. એમાંથી કેન્દ્ર સરકારે મંજૂર કરેલા ૧,૩૯,૪૯૦માંથી ગુજરાત સરકાર ૭ વર્ષમાં માત્ર ૫૫,૩૯૯ મકાનો બનાવી શકી છે. બીજેપીએ એના ચૂંટણીઢંઢેરામાં વાયદો કર્યો છે એ પ્રમાણે પાંચ વર્ષમાં ૫૦ લાખ મકાન કેવી રીતે બાંધશે?’

અજય માકને કહ્યું હતું કે ‘૨૦૦૯માં કેન્દ્રે નક્કી કર્યા પ્રમાણે ઝૂંપડપટ્ટી-મુક્ત ભારત માટે રાજીવ ગાંધી આવાસ યોજના શરૂ કરી. શહેરોમાં સ્લમ-ફ્રી સિટી બનાવવાનો પ્લાન બનાવવા રાજ્ય સરકારોને કહ્યું. માર્ચ ૨૦૧૦માં કેન્દ્ર સરકારે કહ્યું કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ, જામનગર સહિત ગુજરાતનાં આઠ શહેરો માટે પ્લાન તૈયાર કરીને અમને મોકલી આપો, પરંતુ માર્ચ ૨૦૧૦ પછી આજે ૨૦૧૨ પૂરું થવા આવ્યું છતાં મોદી સરકારે પ્લાનિંગ પણ તૈયાર નથી કર્યું. હવે ગુજરાત પ્રપોઝલ મોકલશે નહીં તો ગ્રાન્ટ કેવી રીતે ફાળવી શકાય? આ યોજના અંતર્ગત મધ્ય પ્રદેશ અને ઓડિશાએ પ્લાન તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલ્યા એથી આ રાજ્યોને ગ્રાન્ટ ફાળવવામાં આવી.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી