નરેન્દ્ર મોદીને વીઝાના મુદ્દે અમેરિકા હજી પણ અક્કડ

28 October, 2012 04:56 AM IST  | 

નરેન્દ્ર મોદીને વીઝાના મુદ્દે અમેરિકા હજી પણ અક્કડ



બ્રિટને ૧૦ વર્ષનો બૉયકૉટ દૂર કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તરફ દોસ્તીનો હાથ ભલે લંબાવ્યો હોય, પણ અમેરિકાએ આ મુદ્દે હજી પણ પોતાનું વલણ બદલાયું ન હોવાનો સંકેત આપ્યો છે. વૉશિંગ્ટનમાં ગઈ કાલે અમેરિકાના નાયબ વિદેશપ્રધાન વિલિયમ બન્ર્સને જ્યારે પૂછવામાં આવ્યું કે બ્રિટિન સરકારે નીતિમાં ફેરફાર કર્યા બાદ શું અમેરિકા મોદીને વીઝા નહીં આપવાની નીતિમાં પરિવર્તન લાવશે? ત્યારે તેમણે પહેલાં તો વ્યક્તિગત વીઝા-અરજી વિશે કોઈ કમેન્ટ કરવાની ના પાડી હતી, પણ પછી કહ્યું હતું કે અરજી કરવામાં આવશે ત્યારે અમેરિકાના ઇમિગ્રેશન કાયદા મુજબ એને હાથ ધરવામાં આવશે. બન્ર્સે બાદમાં એમ પણ કહ્યું હતું કે અમેરિકા અને ગુજરાત વચ્ચે મજબૂત કનેક્શન છે, પણ હાલ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.

વિલિયમ બન્ર્સે જોકે એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં અમેરિકી કંપનીઓના હિતને સરકાર સતત સર્પોટ કરતી રહેશે. વૉશિંગ્ટન ખાતે સેન્ટર ફૉર અમેરિકન પ્રોગ્રેસ નામની થિન્ક-ટૅન્કના એક કાર્યક્રમ દરમ્યાન બન્ર્સે આ વાત કહી હતી.