મોદીએ થ્રી-ડીમાં એકસાથે ચાર શહેરોમાં આપી સ્પીચ

19 November, 2012 07:22 AM IST  | 

મોદીએ થ્રી-ડીમાં એકસાથે ચાર શહેરોમાં આપી સ્પીચ



ભારતમાં પહેલી વાર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં થ્રી-ડી ટેક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અમદાવાદ સહિત ગુજરાતનાં ચાર શહેરોમાં સ્પીચ આપી હતી. શિવસેના-સુપ્રીમો બાળ ઠાકરેના અવસાનના માનમાં બે મિનિટનું મૌન પાળીને શરૂ કરેલી સ્પીચમાં મોદીએ કહ્યું હતું કે ગુજરાતની પ્રજા રામ છે અને હું તેમનો હનુમાન છું. મોદીએ અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટના લોકોને સંબોધન કર્યું હતું.

ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ થોડા દિવસ પહેલાં નરેન્દ્ર મોદીને વાનર સાથે સરખાવ્યા હતા અને કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય હુસેન દળવીએ મોદીની સરખામણી ઉંદર સાથે કરી હતી. ગઈ કાલે આ બન્ને આક્ષેપોનો જવાબ આપતાં મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના મિત્રે વાનર અને ઉંદર સાથે મારી તુલના કરી હતી, પણ તેમણે જો રામાયણનો અભ્યાસ કર્યો હોત તો વાનરની શક્તિનો તેમને ખ્યાલ આવ્યો હોત. કૉન્ગ્રેસના મિત્રોને ખબર નહીં હોય કે ઉંદર તો વિઘ્નહર્તાનું વાહન છે. ભગવાન ગણેશ મારી પીઠ પર સવારી કરે છે એનો મને ગર્વ છે.’ 

ગુજરાતમાં પુરુષો કરતાં મહિલાઓ ઓછું મતદાન કરતી હોવાનું જણાવીને નરેન્દ્ર મોદીએ મહિલાઓને વધુ મતદાન કરવા આહ્વાન કર્યું હતું.

મોદીની થ્રી-ડી સ્પીચ વખતે ચાર-ચાર વખત ઑડિયો-ફેલ્યર થયો હતો છતાં લોકો આ નવતર પ્રચારથી મંત્રમુગ્ધ બની ગયા હતા.