રાહુલ ગાંધી તો ઇન્ટરનૅશનલ નેતા છે તેઓ ઇટલીમાંથી પણ ચૂંટણી લડી શકે : મોદી

18 September, 2012 05:10 AM IST  | 

રાહુલ ગાંધી તો ઇન્ટરનૅશનલ નેતા છે તેઓ ઇટલીમાંથી પણ ચૂંટણી લડી શકે : મોદી





વાંચો : નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વિશેષ આર્ટિકલ્સ


રાજકોટના રેસર્કોસના મેદાનમાં ગઈ કાલે યોજાયેલી સ્વામી વિવેકાનંદ યુવા પરિષદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વાર ચૂંટણીઢંઢેરો આગળ વધાર્યો હતો અને ગુજરાતના લોકોને લાભ થાય એવી અલગ-અલગ ચાર પ્રકારની જાહેરાતો કરી હતી. આ ચાર જાહેરાતો પૈકીની સૌથી મહત્વની જાહેરાત ગવર્નમેન્ટ જૉબની એજ-લિમિટ બાબતની હતી. ગુજરાત સરકારની ગવર્નમેન્ટ જૉબમાં જે અપર-લિમિટ ૨૫ વર્ષની હતી એ મુખ્ય પ્રધાને પોતાના બર્થ-ડેના દિવસે ૨૮ વર્ષની કરી હતી, જ્યારે ૨૮ વર્ષની વયમર્યાદા હોય એવી પોસ્ટ માટે વયમર્યાદા ૩૦ વર્ષ કરી દીધી છે. વયમર્યાદા વધારતી વખતે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ લિમિટ વધારીને કોઈ યુવાનો પર ઉપકાર નથી થઈ રહ્યો. હકીકતમાં તો આ લિમિટ વધારીને સરકારને વધુ લાભ મળે એવો હેતુ છે. ઉંમરની મર્યાદાને કારણે સરકાર કોઈની ટૅલન્ટનો લાભ લેતાં અટકે નહીં એ માટે આ વયમર્યાદા વધારવામાં આવી છે.’

રાહુલ ગાંધી પર ટોણો

ગઈ કાલે રાજકોટમાં પોતાનો ૬૨મો જન્મદિવસ ઊજવી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાને આજના દિવસે પણ રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવી લીધા હતા. જોકે આ વખતે રાહુલ ગાંધી કૉન્ગ્રેસના સ્પોક્સમૅન રાશિદ અલ્વીને કારણે મોદીના ટાર્ગેટ પર ગોઠવાયા હતા. ગયા વીકના રાશિદ અલ્વીએ સ્ટેટમેન્ટ કર્યું હતું કે ‘રાહુલ અને નરેન્દ્ર મોદીની કમ્પેરિઝશન ખોટી છે. નરેન્દ્ર મોદી રાજ્ય સ્તરના નેતા છે અને રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરના નેતા છે.’
રાશિદ અલ્વીની આ વાતનો જવાબ ગઈ કાલે આપતાં નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કહ્યું હતું કે ‘સાચી વાત છે. હું તો ગુજરાત જેવા નાના રાજ્યની સેવામાં લાગેલો છું એટલે એમા કંઈ ખોટું નથી, પણ હું એ વાત સાથે બિલકુલ સહમત નથી કે રાહુલ રાષ્ટ્રીય નેતા હોય. રાહુલ ગાંધી નૅશનલ નહીં, ઇન્ટરનૅશનલ નેતા છે. એ ઇન્ડિયામાંથી જ નહીં, તે તો ઇટલીમાંથી પણ ઇલેક્શન લડી શકે છે અને ત્યાં પણ પોતાના સ્પોક્સમૅન રાખી શકે છે.’

રાજકોટ-જામનગરને બર્થ-ડે ગિફ્ટ

બર્થ-ડેના દિવસે જ વયમર્યાદામાં ફેરફાર કરવા ઉપરાંત મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લાના વીછિયા ગામને તાલુકો બનાવવાની જાહેરાત કરી હતી, જ્યારે રાજકોટ શહેરના કન્સ્ટ્રક્શન કામમાં ૨૫ ટકાની એફએસઆઇ વધારવાની પણ જાહેરાત કરી હતી. એ ઉપરાંત જામનગરમાં ફક્ત એક વત્તા ચાર એમ કુલ પાંચ ફ્લોરના અપાર્ટમેન્ટની જે પરમિશન હતી એમાં ફેરફાર કરીને ગ્રાઉન્ડ પ્લસ પાંચ એમ કુલ છ ફ્લોરના અપાર્ટમેન્ટની પરમિશન પણ આપી હતી. આ તમામ જાહેરાતનો અમલ ૨૬ જાન્યુઆરી પછી એટલે કે વિધાનસભાનું ઇલેક્શન પૂરું થયા પછી લાગુ પડવાનું હોવાથી એ સ્પષ્ટ છે કે આ જે કોઈ જાહેરાત થઈ છે એ તમામ જાહેરાત એક રીતે ચૂંટણીઢંઢેરો જ છે.

ગઈ કાલની યુવા પરિષદમાં મુખ્ય પ્રધાને કેન્દ્ર સરકાર પર ખાસ કોઈ ટોણા માર્યા નહોતા. ગઈ કાલે એ કામ બીજેપીના સંસદસભ્ય નવજોત સિંહ સિધુને સોંપવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બર્થ-ડે વિશ કરવા માટે ખાસ ગુજરાત આવેલા નવજોત સિંહ સિધુએ કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારની બદનામી હવે તો પેલી ફિલ્મી શીલા અને મુન્ની કરતાં પણ વધી ગઈ છે. જો આ સરકાર વધુ ટકશે તો હવે દેશ બદનામ થવા માંડશે. આવી સરકારને વહેલામાં વહેલી તકે હટાવવાની છે. કેન્દ્રમાંથી જ નહીં, દેશના દરેક રાજ્યમાંથી આ કૉન્ગ્રેસ પાર્ટીને હાંકી કાઢવાની છે. એની શરૂઆત ગુજરાતમાંથી થવી જોઈએ.’
ગઈ કાલની પરિષદમાં ઑલિમ્પિક મેડલ-વિનર ગગન નારંગ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા જેવા સ્ર્પોટ્સમેનો પણ હાજર રહ્યા હતા.

આજથી ઇલેક્શન સુધી એકટાણાં

ગઈ કાલે મુખ્ય પ્રધાનને રાજકોટમાં ૧૦૭૦ બુકે અને હાર સ્ટેજ પર મળ્યા હતા, જ્યારે દેશભરની જાણીતી કંપનીઓએ તેમને રાજકોટમાં બુકે મળે એવી અરેન્જમેન્ટ કરી હોવાથી કુલ ૧૯૮ બુકે તેમને રાજકોટમાં મળ્યા હતા. આ ઇલેક્શનમાં બીજેપીને જિતાડવા મુખ્ય પ્રધાને ગઈ કાલથી ઇલેક્શન પૂરું ન થાય ત્યાં સુધી એકટાણાંની માનતા રાખી છે. ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન ડિસેમ્બરમાં યોજાય એવી સંભાવના છે. જો ગણતરી કરીએ તો લગભગ સાડાત્રણ મહિનાનાં આ એકટાણાં થશે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી, એફએસઆઇ = ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ