ગુજરાત માટે હું મહાદેવને પણ રાહ જોવડાવી શકું છું : મોદી

02 December, 2012 04:57 AM IST  | 

ગુજરાત માટે હું મહાદેવને પણ રાહ જોવડાવી શકું છું : મોદી


થ્રી-ડી ટેક્નૉલૉજીથી પોતાનું ઇલેક્શન કૅમ્પેન શરૂ કરનારા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સોમનાથ મહાદેવનાં દર્શન કરી પોતાનું ઍક્ચ્યુઅલ ઇલેક્શન કૅમ્પેન પણ શરૂ કર્યું હતું અને સૌરાષ્ટ્રનાં ત્રણ તથા દક્ષિણ ગુજરાતનાં ત્રણ એમ કુલ છ સ્થળોએ જાહેર સભા કરી હતી.

સોમનાથ મહાદેવનાં દર્શન માટે એક કલાક મોડા પહોંચેલા નરેન્દ્ર મોદીએ એનો જવાબ પોતાની જાહેર સભામાં આપ્યો હતો અને કહ્યું હતું કે ‘મહાદેવને ત્યાં હું મોડો પડ્યો. મહાદેવે મને આનું કારણ પૂછયું એટલે મેં કહ્યું કે ગુજરાતનાં પેન્ડિંગ કામ પતાવવામાં મોડું થઈ ગયું. મારા ગુજરાતના કામ માટે હું ભગવાનને પણ રાહ જોવડાવી શકું છું અને એનો મને આનંદ છે... આ આનંદ સાથે હું કહું છું કે હું તમારી પાસે મત માગવા નથી આવ્યો. મારે તમારી પાસે મત માગવો પડે અને મને એક તક આપો એવું કહેવું પડે એવું મેં કંઈ કર્યું નથી. ગુજરાત તમારી આંખ સામે છે, વિકાસ તમારી નજરો સમક્ષ છે અને મારો દસ વર્ષનો હિસાબકિતાબ પણ તમારી સામે ખુલ્લો પડ્યો છે. ખાધું નથી, ખાવા દીધું નથી અને જો કોઈ ખાવા આવ્યું છે તો તેનું જડબું તોડ્યા વિના તેને પાછો જવા દીધો નથી. મારે શું મત માગવાનો તમારી પાસે. તમને યોગ્ય લાગે એટલું તમે મને આપવાના છો એ મને વિશ્વાસ છે.’

તમામ સભા દરમ્યાન નરેન્દ્ર મોદીનો સૂર લગભગ એકસમાન રહ્યો હતો અને કૉન્ગ્રેસને આડે હાથે લીધી હતી. સોમનાથની જાહેર સભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ આવડત વિનાની પાર્ટી છે. સ્કૂટર જેને આવડતું ન હોય એને આપણે ચલાવવા આપતાં નથી તો પછી જેનામાં આવડત ન હોય તેને ગુજરાત ચલાવવા કેવી રીતે આપી દેવાય. કૉન્ગ્રેસના નેતાઓને મારે એટલું કહેવાનું કે ભાઈઓ, તમે હવે દિલ્હી ખાલી કરવાની તૈયારી કરો અને ઇટાલી વસવાટ કરવા જવાનું પ્લાનિંગ કરવા માંડો.’

પોતાની જાહેર સભાઓ દરમ્યાન નરેન્દ્ર મોદી હવે કેશુભાઈ પટેલ અને તેની પાર્ટી વિશે કંઈ બોલશે એવી આશા રાખવામાં આવી હતી, પણ કેશુભાઈ વિશે એક હરફ પણ તેમણે ઉચ્ચાર્યો નહોતો અને જીપીપીને અવગણી હતી.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી