સોમનાથથી આજે મોદી કરશે શંખનાદ ૧૪ ડિસેમ્બર સુધી ૮૨ સભાને સંબોધશે

30 November, 2012 06:25 AM IST  | 

સોમનાથથી આજે મોદી કરશે શંખનાદ ૧૪ ડિસેમ્બર સુધી ૮૨ સભાને સંબોધશે



થ્રી-ડી ટેક્નૉલૉજીથી ગઈ કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૨૬ બેઠક પર જાહેર સભા સંબોધનારા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સોમનાથમાં મહાદેવનાં દર્શન કરી પોતાના ઍકચ્યુઅલ ચૂંટણીપ્રચારની શરૂઆત કરશે અને સાચા અર્થમાં મેદાનમાં ઊતરશે. કૅમ્પેન માટે હવે મોદી પાસે સમય ઓછો હોવાથી નરેન્દ્ર મોદી દિવસની ત્રણના હિસાબે ચાર દિવસમાં બાર સભા સંબોધશે અને પછી એક દિવસનો આરામ કરીને નવેસરથી કૅમ્પેનમાં લાગી જશે. બીજેપીના તમામ સ્ટાર પ્રચારક ગુજરાતમાં કૅમ્પેન કરવા લાગ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી હજી સુધી ગાંધીનગરની બહાર નીકળ્યાં નહોતા, પણ ગઈ કાલે મુખ્ય પ્રધાનના કાર્યાલય પરથી મોદીનો આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. રાબેતા મુજબ નરેન્દ્ર મોદીએ ઇલેક્શન કૅમ્પેનનો સૌથી વધુ ભાર પોતાના પર રાખ્યો છે. પહેલા તબક્કાના ઇલેક્શન માટે મોદી દસ દિવસમાં કુલ ૪૨ સભા કરશે, જ્યારે બીજા તબક્કા માટે મુખ્ય પ્રધાન ચાલીસ સભા કરશે. આ બન્ને સભાઓનો સરવાળો કરીને કહેવાનું હોય તો કહી શકાય કે નરેન્દ્ર મોદી ઇલેક્શન કૅમ્પેન પૂરું થાય એ પહેલાં એટલે કે ૧૪ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ૮૨ જાહેર સભા કરશે.

આ જાહેર સભાઓ સિવાય મોદી થ્રી-ડી જાહેર સભા અને જ્ઞાતિઓના મોવડીઓ સાથે વિડિયો-કૉન્ફરન્સ કરશે એ જુદી ગણાશે. મુખ્ય પ્રધાન મોદી કોઈ કાળે આ ઇલેક્શનને ઢીલું મૂકવા માગતા નથી. મોદીની અત્યંત નજીકની એવી એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવતી કાલથી હવે રિઝલ્ટ આવશે ત્યાં સુધી હવે નરેન્દ્ર મોદી માંડ બે-ત્રણ કલાકની ઊંઘ કરશે.’