સદ્ભાવના સ્થળે સેફ્ટી માટે લાગ્યા ૫૦ સીસીટીવી કૅમેરા

25 December, 2011 05:09 AM IST  | 

સદ્ભાવના સ્થળે સેફ્ટી માટે લાગ્યા ૫૦ સીસીટીવી કૅમેરા


૨શ્મિન શાહ

રાજકોટ, તા. ૨૫
શુક્રવારે રાજકોટમાં પોસ્ટર ઉતારવા બાબતે બીજેપીના કૉર્પોરેટર દ્વારા શહેર કૉન્ગ્રેસના પ્રમુખને મારવામાં આવેલા માર અને એ પછી કૉન્ગ્રેસ દ્વારા શહેરમાં રાખવામાં આવેલા સદ્ભાવના મિશનનાં પોસ્ટર ફાડવા અને સળગાવવાની ઘટના બન્યા પછી રાજકોટ પોલીસે સોમવારે રાજકોટમાં થનારા સદ્ભાવના ઉપવાસમાં સ્ટ્રૉન્ગ સિક્યૉરિટી આપી દીધી છે. રાજકોટનાં પોલીસ-કમિશનર ગીતા જોહરીએ કહ્યું હતું કે ‘કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે સ્ટેટ રિઝવ્ર્ડ પોલીસની બેને બદલે સાત એટલે કે પાંચ બટૅલિયન વધારાની બોલાવવામાં આવી છે, જે ગ્રાઉન્ડ પર સિક્યૉરિટી સંભાળશે. આ ઉપરાંત સદ્ભાવના મંડપમાં પ્રવેશ પહેલાં બે જગ્યાએ સિક્યૉરિટી ચેક કરવામાં આવતી હોય છે એ હવે ત્રણ જગ્યાએ કરવામાં આવી છે. આ ઉપરાંત સદ્ભાવનાના તમામ ડૂમમાં અને આખા એરિયામાં સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા મૂકવામાં આવ્યા છે.’

સદ્ભાવના ઉપવાસ દરમ્યાન પહેલી વખત એવું બની રહ્યું છે કે સદ્ભાવના સ્થળે કૅમેરા લગાડવામાં આવ્યા હોય. આ વખતે સદ્ભાવના સ્થળે કુલ ૫૦ સીસીટીવી કૅમેરા ફિટ કરવામાં આવ્યા છે. એમાંથી ૨૨ કૅમેરા નરેન્દ્ર મોદીની સાથે સદ્ભાવના-ડૂમમાં બેસેલા ઑડિયન્સમાં ફિટ કરવામાં આવશે, જ્યારે ૧૦ કૅમેરા બહારથી અંદર આવતા લોકો પર, ૧૬ કૅમેરા ગ્રાઉન્ડની ફરતે તથા બે કૅમેરા સ્ટેજ પર લગાડવામાં આવ્યા છે. બીજેપીના પ્રવક્તા સૌરભ પટેલે કહ્યું હતું કે ‘કૅમેરા ફિટ કરવાનો આ નિર્ણય રાજકોટ પોલીસે લીધો છે એટલે એમાં કોઈ પ્રકારની દખલગીરી કરવામાં નહીં આવે, પણ હવે પછીના સદ્ભાવના ઉપવાસના અન્ય કાર્યક્રમોમાં આ કૅમેરાનો ઉપયોગ નહીં કરવામાં આવે.’   

પોસ્ટર ફાડવાની-બાળવાની જે ઘટના શુક્રવારે બની હતી એ ઘટનાને ધ્યાનમાં રાખીને સદ્ભાવના ઉપવાસ દરમ્યાન રાજકોટમાં ૧ પોલીસ જનરલ, ૮ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, ૨૮ ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, ૭૪ પોલીસ-ઇન્સ્પેક્ટર, ૫૫ સબ પોલીસ-ઇન્સ્પેક્ટર, ૫૯૦ કૉન્સ્ટેબલ, ૧૮૦ મહિલા કૉન્સ્ટેબલ અને ૭ સ્ટેટ રિઝવ્ર્ડ પોલીસની બટૅલિયન ઉપસ્થિત રહેશે.

મોદીને બનાવ્યા મુસ્લિમ


રાજકોટ શહેરનાં મોટા ભાગનાં સ્થળોએ ગઈ કાલે નરેન્દ્ર મોદી મુસ્લિમ હોય એ પ્રકારનાં પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં, જેને પછીથી દૂર કરવાનું કામ મ્યુનિસિપલ કૉર્પોરેશને તાત્કાલિક અસરથી શરૂ કર્યું હતું. પોસ્ટરની માત્રા વધુ હતી અને એક જ રાતમાં શહેરભરમાં પોસ્ટર લાગી ગયાં હોવાથી એ હટાવવા માટેની કામગીરી ૧૧૦૦ જેટલા સફાઈ કામદારોને સોંપવામાં આવી હતી. રાજકોટનાં પોલીસ-કમિશનર ગીતા જોહરીએ કહ્યું હતું કે ‘આ પ્રકારનાં પોસ્ટર છાપનારા અજાણ્યા શખ્સો સામે પોલીસ-ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પોસ્ટર છાપનારા અને છપાવનારા બન્ને સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.’