અમારા પર જેટલો વધારે કાદવ ઊછળશે એટલું જ કમળ તેજસ્વી બનીને ખીલશે : મોદી

21 October, 2011 03:43 PM IST  | 

અમારા પર જેટલો વધારે કાદવ ઊછળશે એટલું જ કમળ તેજસ્વી બનીને ખીલશે : મોદી


નવસારીમાં સદ્ભાવના મિશન અંતર્ગત ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના એક દિવસના ઉપવાસ સંપન્ન થયા

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાતના નવસારીમાં સદ્ભાવના મિશન અંતર્ગત કરેલા ઉપવાસના સમાપન પ્રસંગે આમ કહ્યું હતું. સદ્ભાવના મિશન અભિયાન અંતર્ગત ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં ગઈ કાલે એક દિવસના સદ્ભાવના ઉપવાસ કર્યા હતા. એના સમાપન પ્રસંગે નાગરિકોને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ દિવાળીનું પર્વ સમગ્ર ગુજરાતમાં સદ્ભાવનાનું પર્વ બની રહે એવો રાષ્ટ્રભાવનાનો પ્રકાશ ફેલાવશે.


નરેન્દ્ર મોદીએ વિરોધીઓને આડે હાથ લેતાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘દિલ્હીની સલ્તનત ગુજરાત પર જુલ્મ ગમે એટલાં કરે તો પણ ફીફાં ખાંડતા રહેવાની છે. તમે જુલ્મ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પણ કશું કરી નથી શક્યા.’


ગુજરાત વિકાસની પારાશીશી બની ગયું છે એમ જણાવીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘૬૦ વર્ષની દેશની રાજનીતિમાં વૉટબૅન્કે દેશને તબાહીમાં ધકેલી દીધી છે. શું આ સ્થિતિ બદલવી જોઈએ નહીં? ક્યાં સુધી ટુકડા ફેંકી મતપેટી ભરવા માગો છો? તમારી મતપેટી ભરાણી, પણ ગરીબનું પેટ ભરાયું નથી.’


આ તબક્કે તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ પણ સમાજની એકતા હશે, સદ્ભાવનાની તાકાત હશે તો દેશની ધરતી પર વકરી શકે નહીં. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જે લોકોએ વિઘટનનાં, ભેદભાવનાં ચશ્માં પહેયાર઼્ છે તેઓ તો સદ્ભાવના અને એકતાનું નામ સાંભળીને તેમના ખાટલામાં વીંછી ચડ્યો હોય એમ હવાતિયાં મારે છે.


નવસારીમાં ગઈ કાલે સવારે તમામ પંથો-સંપ્રદાયના ધર્મગુરુઓના આર્શીવાદ લઈને નરેન્દ્ર મોદીએ અનશન શરૂ કર્યા હતા. નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, વાંસદા અને જલાલપોર તાલુકામાંથી કાર્યકરો અને નાગરિકો પણ મુખ્ય પ્રધાન સાથે જોડાયા હતા.

મોદીએ હવે શાલ ન સ્વીકારીને વિવાદ ઊભો કર્યો

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવસારીમાં તેમના સદ્ભાવના અનશનમાં મુસ્લિમ શાલ પહેરવાનો ઇનકાર કરીને નવો વિવાદ સરજ્યો હતો. નવસારીમાં એક મુસ્લિમ બિરાદરે તેમને કાળા કલરની શાલ પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોદીએ એ પહેરી નહોતી; એટલું જ નહીં, સ્વીકારી પણ નહોતી. આ અગાઉ અમદાવાદના ત્રણ દિવસના સદ્ભાવના મિશનમાં મોદીએ એક મૌલવીએે આપેલી ટોપી પહેરવાની ના પાડી હતી.

મોદી જશે તો ગુજરાત પણ જશે

શિવસેનાના વડા બાળ ઠાકરેએ ગઈ કાલે પક્ષના હિન્દી મુખપત્ર ‘દોપહર કા સામના’માં કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં મારી લાલકૃષ્ણ અડવાણી સાથે મીટિંગ થઈ હતી ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીને હટાવવાનો વિચાર પણ ન કરતા, કારણ કે જો તેમને હટાવશો તો તમારા હાથમાંથી ગુજરાત ગુમાવવાનો વારો આવશે.


‘દોપહર કા સામના’માં ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે ‘એ વખતે મીટિંગમાં હું અને અડવાણી બે જ હતા ત્યારે તેમણે નરેન્દ્ર મોદી વિશે મારો અભિપ્રાય માગ્યો હતો. મેં તેમને કહ્યું કે એ તમારી પાર્ટીની મૅટર છે. ત્યારે તેમણે કહ્યું કે મોદીને કારણે પાર્ટીમાં અસ્વસ્થતા છે. આથી મેં તેમને કહ્યું કે જો મોદી જશે તો તમારા હાથમાંથી ગુજરાત પણ જશે.’