હીરાવેપારીઓનો છૂટકારો : મોદીએ કહ્યું, આંખમાં આંખ પરોવીને વાત કરવાની હિંમત હોવી જોઈએ

19 December, 2011 05:26 AM IST  | 

હીરાવેપારીઓનો છૂટકારો : મોદીએ કહ્યું, આંખમાં આંખ પરોવીને વાત કરવાની હિંમત હોવી જોઈએ



(આરિફ નાલબંધ)

સુરત, તા. ૧૯

૨૦૧૦ની ૮ જાન્યુઆરીએ ચીનના સેન્ઝેનમાં ૫૦ કરોડ રૂપિયાના હીરાની દાણચોરી અને કરચોરીના આરોપસર પકડાયેલા હીરાના ગુજરાતી વેપારીઓ કઈ રીતે મુક્ત થયા એનું રહસ્ય ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સુરતમાં છતું કર્યું હતું. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ‘સદ્ભાવના મિશન’ હેઠળ ઉપવાસ પર બેસેલા નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત મેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘હમણાં હું ચીન ગયો હતો. ત્યાં ૨૨ જેટલા હીરાના વેપારીઓ સામાન્ય આરોપો હેઠળ જેલમાં હતા. મિત્રો, ત્યાંના શાસકોને મેં વાત કરી એ પછી ૧૩ વેપારીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. કેમ મુક્ત થયા? કંઈક તો કારણ હશે. વાત કેમ કરવી એના પર બધું હોય છે. આંખમાં આંખ પરોવીને વાત કરવાની હિંમત હોવી જોઈએ. મેં ચીનની સરકારને માત્ર એટલું જ કહ્યું કે ‘તમારા લોકો મારે ત્યાં છે.’ બસ આટલું જ પૂરતું હતું. પછી શું થયું એની બધાને ખબર છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે આરોપ હેઠળ ૯ ગુજરાતી હીરાના વેપારીઓને સજામાં રાહત મળી હતી એવા જ આરોપો હેઠળ ઑસ્ટ્રેલિયાના હીરાના વેપારીને ચીનની અદાલતે ૧૦ વર્ષની સજા કરી.

મોદીના આ રહસ્યસ્ફોટને ઉપસ્થિત હજારોની સંખ્યાની મેદનીએ તાળીઓ પાડીને આવકાર્યો હતો. જે બે હીરાના વેપારીઓ મુક્ત થયા હતા તેમના પરિવારજનોએ ઉપવાસના સ્થળે પહોંચીને મુખ્ય પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુંબઈથી ઉત્તર દિશામાં આવેલું રાજ્ય એટલે ગુજરાત

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘૧૦ વર્ષ પહેલાં દેશ-દુનિયામાં ગુજરાતની ચર્ચા થાય તો વિદેશીઓને બતાવવામાં આવતું કે મુંબઈથી ઉત્તર દિશામાં આવેલું રાજ્ય એટલે ગુજરાત. ગુજરાતને કોઈ ઓળખતું નહોતું. આજે દુનિયા દેશમાં માત્ર ને માત્ર ગુજરાતને ઓળખે છે. એનું કારણ પ્રો-ઍક્ટિવ પૉલિસીને લીધે ગુજરાતનો વિકાસ થયો એ છે. ભારત સરકારે હમણાં રોજગારીના આંકડા બહાર પાડ્યા એમાં ગયા વર્ષે દેશભરમાં કુલ જે રોજગારી મળી એમાં ૭૨ ટકા ગુજરાતમાં મળી છે. બાકી ૨૮ ટકા રોજગારી આખા દેશના સરવાળામાં મળી છે.’

ગુજરાતમાં કૉન્ગ્રેસની પિન હૅન્ડપમ્પ પર અટકી છે

ગુજરાતમાં વિપક્ષ કૉન્ગ્રેસ પર પ્રહાર કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં પાણી પુરવઠાની યોજના નલિકા મારફત ચાલે છે, પણ કૉન્ગ્રેસના નેતાઓ આજે પણ હૅન્ડપમ્પની માગણીઓ કરે છે. તેમની પિન હૅન્ડપમ્પ પર અટકી છે. કૉન્ગ્રેસી મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીના એ વખતના સુરત જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામમાં ગયો ત્યારે પાણીની ટાંકી હતી, પણ ગામનાં ઘરોમાં નળ ન હતા. ગામમાં પાણીના હૅન્ડપમ્પ ચાલતા હતા. ટાંકીમાં પાણી કેમ પહોંચાડવું એની ગતાગમ નહોતી પડતી. કોઈ પણ રાજકીય વેરઝેર રાખ્યા વિના મારી સરકારે પાઇપલાઇન વાટે ટાંકીમાં પાણી પહોંચાડવાનું શરૂ કર્યું. કૉન્ગ્રેસના રાજમાં ગુજરાતમાં જાતિવાદ અને કોમવાદની વોટબૅન્કની નીતિ ચાલી હતી. ચોક્કસ તત્વો કાઠિયાવાડમાં ઊભા પાક લૂંટી જતાં હતાં તેમને રોકનાર કોઈ નહોતું. ગણેશચતુર્થી, ઉતરાણ, મોહરમ, ઈદ કે દિવાળી હોય કાયમ કરફ્યુની સાથે ટેન્શનનો માહોલ હોય. ગુજરાતમાં આજે કોમ-કોમ વચ્ચે હુલ્લડો નથી, વેરઝેર નથી. છ કરોડ ગુજરાતીઓની સદ્ભાવનાને કારણે ગુજરાતે એકતા, શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. કૉન્ગ્રેસના મિત્રોને આ બધું નથી ગમતું.’

સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી પોલીસના કૂતરા દોડીને ભરૂચ કેમ આવે છે : રૂપાલા

સુરતમાં મોદીના સદ્ભાવના મિશનને સંબોધતાં બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સંસદસભ્ય પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે ‘ગુજરાતના હીરાના વેપારીઓ નરેન્દ્રભાઈની રજૂઆતથી છૂટ્યા તો કૉન્ગ્રેસીઓએ દેકારો મચાવ્યો કે અહમદ પટેલે છોડાવ્યા. આ અહમદભાઈ કોણ છે એ જાણવા જેવું છે. કૉન્ગ્રેસના શાસનમાં માફિયાઓ સૌરાષ્ટ્રના દરિયાકિનારે આરડીએક્સ જેવા વિસ્ફોટકો ઉતારતા હતા. એવામાં એકાદ પડીકું પડી જાય અને પોલીસ ડૉગ-સ્કવૉડ લઈને તપાસ કરવા જતી તો પોલીસના કૂતરાઓ પડીકું સૂંઘતાં-સૂંઘતાં ભરૂચ સુધી પહોંચી જતા હતા. વિદેશપ્રધાન એસ. એમ. ક્રિષ્ના ગુજરાત આવ્યા ત્યારે અમે રજૂઆત કરી કે ૨૨ ગુજરાતી હીરાના વેપારીઓને ચીનની જેલમાંથી ક્યારે છોડાવશો? ત્યારે ક્રિષ્નાજીએ અજ્ઞાનતા વ્યક્ત કરી કે આવું કંઈ થયું છે? મારા ધ્યાનમાં તો નથી.

રૂપાલાએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં રોજ સવાર પડે છે અને અજુર્ન મોઢવાડિયા નહીં પણ અજુર્ન જૂઠવાડિયા નામનો નેતા જુઠ્ઠાણું ચલાવે છે કે નરેન્દ્રભાઈએ એક લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. ઉદ્યોગપતિઓને ફલાણો-ઢીંકણો લાભ અપાવ્યો છે. મને એ નથી સમજાતું કે જૂઠવાડિયા ઉદ્યોગ ચલાવવા સામે વિરોધ કરી રહ્યા છે કે નરેન્દ્રભાઈ સામે સાવ ખોટા આક્ષેપ કરીને પ્રસિદ્ધિ મેળવવા માગે છે?