મોદીના સદ્ભાવના મિશન સામે પાંચ જ સમાંતર ઉપવાસ

02 December, 2011 08:20 AM IST  | 

મોદીના સદ્ભાવના મિશન સામે પાંચ જ સમાંતર ઉપવાસ



(રશ્મિન શાહ)

રાજકોટ, તા.૨

ભાવનગરમાં શનિવારે સદ્ભાવના ઉપવાસ કરનારા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે ગુજરાત કૉન્ગ્રેસ અને મહાગુજરાત જનતા પાર્ટી તો ઉપવાસ કરવાની જ છે, પણ તેમના સિવાય મુખ્ય પ્રધાનના સદ્ભાવના ઉપવાસ સામે ગુજરાત હાઉસિંગ ર્બોડ વસાહત મંડળના રહેવાસીઓ, ગુજરાત વિકલાંગ સમૂહ અને બીજેપીના જ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પણ ઉપવાસ આંદોલન કરવાના હતા. એમાંથી ગઈ કાલે સાંજે ગુજરાત વિકલાંગ સમૂહનું સરકાર સાથે સમાધાન થઈ જતાં તેમણે પોતાના ઉપવાસ હવે પડતા મૂક્યા છે. જોકે એમ છતાં મુખ્ય પ્રધાન સામે સદ્ભાવના ઉપવાસ કરનારાઓનું લિસ્ટ હજી પાંચનું જ રહ્યું છે. આ લિસ્ટમાં હવે લલ્લુભાઈ બેલડિયા નામના ખેડૂત જોડાયા છે. ભાવનગર-પાલિતાણા હાઇવે પર આવેલું લલ્લુભાઈનું ખેતર એક સિમેન્ટ ફૅક્ટરીના પ્લાન્ટ માટે સરકારે જપ્ત કર્યું હોવાથી લલ્લુભાઈએ ત્રણ દિવસનું ઉપવાસ આંદોલન કર્યું છે.

ઉપવાસની પરમિશન નહીં

મુખ્ય પ્રધાન સામે ઉપવાસ કરવા માટે ભાવનગર કલેક્ટર ડી. જી. ઝાલાવાડિયાએ બીજેપીના કનુભાઈ કળસરિયા અને ગુજરાત હાઉસિંગ ર્બોડ વસાહત મંડળને હજી ઉપવાસની પરવાનગી નથી આપી. કનુભાઈ કળસરિયાએ ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો અમને ઉપવાસની પરમિશન આપવામાં નહીં આવે તો પણ અમે ઉપવાસ કરવાના છીએ. પરમિશન નહીં મળે તો અમે કોઈ પણ જાતની તૈયારી વિના રસ્તા પર બેસીને ઉપવાસ કરીશું.’

ગુજરાત હાઉસિંગ ર્બોડ વસાહત મંડળે પણ નક્કી કર્યું છે કે જો તેમની માગણી પૂરી કર્યા વિના જ ઉપવાસની પરવાનગી નહીં આપવામાં આવે તો બધા રહેવાસીઓ મુખ્ય પ્રધાનને સદ્ભાવના ઉપવાસની છાવણીએ જતા અટકાવશે.

સૌરભ પટેલ હવે ભાવનગરમાં

ગુજરાત સરકારના પ્રવક્તા અને પેટ્રોલિયમ અને ઊર્જાપ્રધાન સૌરભ પટેલ ગઈ કાલે સવારથી ભાવનગર આવી ગયા છે. સદ્ભાવના ઉપવાસના વિરોધમાં થતા બીજા સદ્ભાવના ઉપવાસને અટકાવવા માટે જ તેમને ભાવનગર મોકલવામાં આવ્યા છે. ગઈ કાલે તેમણે કનુભાઈ કળસરિયાની સાથે બેઠક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કનુભાઈએ પર્સનલ મીટિંગની ના પાડી દઈને ખેડૂતોની હાજરીમાં મીટિંગ કરવાનું કહેતાં એ મીટિંગ પડી ભાંગી હતી.