મોદીનો ટોણો : સોનું, ચાંદી, હીરાની ચોરી તો સાંભળી હશે; પણ કોઈ કોલસાની ચોરી તમે સાંભળી છે?

14 September, 2012 04:19 AM IST  | 

મોદીનો ટોણો : સોનું, ચાંદી, હીરાની ચોરી તો સાંભળી હશે; પણ કોઈ કોલસાની ચોરી તમે સાંભળી છે?




ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે તેમની વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા સાથે દક્ષિણ ગુજરાતમાં હતા. બિલિમોરા નજીકના ઉનાઈમાં તેમણે લોકોને સંબોધતાં કોલસાકૌભાંડ મુદ્દે કૉન્ગ્રેસને ટોણો માર્યો હતો. મોદીએ કહ્યું હતું કે ‘તમે સોના, ચાંદી કે હીરાની ચોરી સાંભળી હશે; કોલસાની ચોરી સાંભળી નહીં હોય. કૉન્ગ્રેસના લોકો બે લાખ કરોડ રૂપિયાનો કોલસો ચોરી ગયા છે.’

આ સાથે મોદીએ કૉન્ગ્રેસ પાર્ટીનું નામ પણ ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીને બદલે ‘ઑલ ઇન્ડિયા કોલ કૉન્ગ્રેસ’ આપતાં લોકોમાં હાસ્યની છોળો ઊડી હતી.

ખેડૂતોને રાહતો જાહેર

નવસારીમાં મોદી ખેડૂતો પર ઓવારી ગયા હોય એમ તેમણે ગુજરાતના ખેડૂતો માટે બે મોટી જાહેરાત કરી હતી. એમાંની એક જાહેરાત એ હતી કે આવતા એક વર્ષ સુધી ખેડૂતોને ગુજરાતમાં વીજળી અડધી કિંમતે મળશે અને બીજી જાહેરાત મુજબ જે ખેડૂતોએ દેશની કોઈ પણ બૅન્કમાંથી ખેતીવિષયક લોન લીધી હશે તે ખેડૂતોના ધિરાણનું એક વર્ષનું વ્યાજ ગુજરાત સરકાર ચૂકવશે. આ બન્ને રાહત પણ રાજ્ય સરકારે ૧૫ ઑગસ્ટથી લાગુ કરી દીધી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મને વચન આપવામાં રસ નથી. હું તો નક્કર કામ કરવામાં માનું છું. સમય આવ્યે મારે જે કરવાનું છે એ કામ હું કરી લઈશ. જેણે જે બોલવું હોય એ બોલે. મને અને મારી ગુજરાતની જનતાને ખબર છે કે અમારે શું કરવાનું છે અને શું કરતા રહેવાનું છે.’

તો હું યાત્રાનું નામ બદલી નાખીશ

૧૧ સપ્ટેમ્બરથી ગુજરાતના મુખ્ય પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી વિવેકાનંદ યાત્રાને સ્વામી વિવેકાનંદનું નામ જોડવા બાબતે કેશુભાઈ પટેલથી માંડીને શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા સહિતના વિરોધપક્ષના નેતાઓએ વિરોધ કરતાં બહુ મોટો દેકારો થયો હતો. આ વિવાદનો જવાબ ગઈ કાલે નવસારીમાં ગુજરાતના મુખ્ય પ્રધાને આપ્યો હતો અને કહ્યું હતું કે ‘આ યાત્રાનું નામ બદલાવવા માટે હું તૈયાર છું, પણ પહેલાં મને મારા વડીલ નેતા જવાબ આપે કે તેમને આ નામ જોડવાથી તકલીફ શું થઈ છે? મને વિવેકાનંદજી યાદ આવ્યા એ કે પછી વિવેકાનંદજીને કારણે યુવાનો મારી નજીક આવી રહ્યા છે. જો મને સાચો જવાબ આપી દેવામાં આવશે તો હું ચાલુ યાત્રાએ એનું નામ બદલાવી નાખતાં ખચકાઈશ નહીં.’

મનમોહન સિંહ છાણાચોર : મોદી

નવસારીમાં મોદીએ કહ્યું હતું કે ‘પહેલાંના જમાનામાં ગરીબ લોકો પોતાના ઘરની બહાર છાણાં સૂકવતા અને પછી એ છાણાં કેટલાક બહુ ગરીબ હોય તેવા લોકો આવીને ચોરી જતા. છાણાંનો વપરાશ શું, બળતણમાં. આજે પણ આ દેશમાં છાણાચોર છે. ફરક એટલો છે કે એ લોકો હવે ગામડામાં નહીં પણ દિલ્હીમાં બેઠા છે અને એનું નામ મનમોહન સિંહ છે. કોલસા નામનું બળતણ આજે નાના માણસો જ વાપરે છે. આ બળતણ ચોરે તેને જૂના જમાનાના પેલા છાણાચોર સાથે સરખાવું નહીં તો બીજું કોની સાથે સરખાવું? મને લાગે છે કે આ કૉન્ગ્રેસના લોકોનું હવે ચોરી કરવાનું સાચું ઠેકાણું પણ નથી મળતું.’

મોદી પર આતંકવાદીઓ હુમલો કરે એવી શક્યતા

બીજેપીએ ગઈ કાલે ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલને ટાંકતાં કહ્યું હતું કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર આતંકવાદી હુમલાનું જોખમ છે. બીજેપીએ મોદીની સુરક્ષામાં વધારો કરવાની કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. બીજેપીએ ગઈ કાલે કહ્યું હતું કે મોદીએ શરૂ કરેલી વિવેકાનંદ વિકાસ યાત્રામાં આતંકવાદીઓ ભાંગફોડ કરે એવી શક્યતા છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી