વિધાનસભાની ચૂંટણીમાં મોદી એક્સપરિમેન્ટ નહીં કરે

20 November, 2012 03:19 AM IST  | 

વિધાનસભાની ચૂંટણીમાં મોદી એક્સપરિમેન્ટ નહીં કરે



રશ્મિન શાહ

અમદાવાદ, તા. ૨૦

ડિસેમ્બરમાં આવી રહેલા ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં આ વખતે ગુજરાતના મુખ્ય પ્રધાન કોઈ પ્રકારના અખતરા કરવા ન માગતા હોય અને પોતે જ સ્થાપેલી ‘નો રિપિટ’ થિયરીનું ખંડન કરવાના હોય એમ તેમણે પોતાના પ્રધાનમંડળના મોટા ભાગના પ્રધાનોની ટિકિટ ફાઇનલ કરી નાખી છે. આ અગાઉની ૨૦૦૨ અને ૨૦૦૭ની વિધાનસભાના ઇલેક્શનમાં મુખ્ય પ્રધાન પોતાની નો રિપિટની થિયરીને વળગી રહ્યા હતા અને આ બે ઇલેક્શન દરમ્યાન ૧૪૧ નવા નેતા કે કાર્યકર્તાઓને ટિકિટ આપી હતી, પણ આ વખતના ઇલેક્શનમાં તેઓ સેફ-ગેમ રમવાના છે. ગુજરાત બીજેપીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પણ આ વખતે એકજુટ થઈને કામ કરી રહી છે અને કેશુબાપા પણ પહેલી વખત આક્રમક બનીને નવી પાર્ટી સાથે મેદાનમાં આવ્યા છે એટલે મુખ્ય પ્રધાન ઇચ્છે છે કે આ વખતે કોઈ જોખમ લેવું નથી અને સિક્યૉર પ્લાન સાથે આગળ વધવું છે.’

સિક્યૉર પ્લાન હેઠળ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના નાણાપ્રધાન વજુભાઈ વાળા, રેવન્યુ મિનિસ્ટર આનંદીબહેન પટેલ, પંચાયતપ્રધાન નરોત્તમ પટેલ, કૃષિપ્રધાન દિલિપ સંઘાણી, હેલ્થ મિનિસ્ટર જયનારાયણ વ્યાસ, એજ્યુકેશન મિનિસ્ટર રમણભાઈ વોરા, ફૉરેસ્ટ મિનિસ્ટર મંગુભાઈ પટેલ, ઊર્જાપ્રધાન સૌરભ પટેલ, પર્યાવરણપ્રધાન કિરીટસિંહ રાણા, પશુપાલન ખાતાના પ્રધાન પરસોતમ સોલંકી, પછાત વર્ગ કલ્યાણ ખાતાના પ્રધાન વાસણભાઈ આહીર, ઉચ્ચ શિક્ષણ વિભાગનાં પ્રધાન વસુબહેન ત્રિવેદી, ગૃહપ્રધાન પ્રફુલ પટેલ, શ્રમ અને રોજગાર ખાતાના પ્રધાન લીલાધર વાઘેલા, ગ્રામ વિકાસ ખાતાના પ્રધાન મોહનભાઈ કુંડારિયા, કુટિર ઉદ્યોગપ્રધાન રણજિતભાઈ ગિલિટવાળાની ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે. ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા નવા સીમાંકનના કારણે શહેરી વિકાસ ખાતાના પ્રધાન નીતિન પટેલ અને કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જે બેઠક પરથી ઇલેક્શન લડ્યા હતા એ બેઠક હવે અનામત તરીકે મૂકવામાં આવી છે એટલે નીતિન પટેલ અન પ્રદીપસિંહ જાડેજાને અન્ય સલામત બેઠક પરથી ટિકિટ આપવાનું નક્કી થયું છે.

ગુજરાત બીજેપીના અન્ય

એક સિનિયર નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે નરેન્દ્ર મોદી સ્પષ્ટ બહુમતીને ધ્યાનમાં રાખીને ઉમેદવાર સિલેક્ટ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું ડિસિઝન બીજેપીની કોર કમિટી પણ ફાઇનલ જ ગણી રહી છે એટલે આ કમિટીના મેમ્બર પણ મોદીએ બનાવેલા લિસ્ટને નકારતા નથી.’