શું વાતો કરી બાપા અને નરેન્દ્રભાઈએ?

20 December, 2012 10:39 AM IST  | 

શું વાતો કરી બાપા અને નરેન્દ્રભાઈએ?



રશ્મિન શાહ

રાજકોટ, તા. ૨૧

ગઈ કાલે થયેલી મતગણતરી બાદ બીજેપીને સ્પષ્ટ બહુમતી મળ્યાં પછી ગુજરાતના સુપ્રીમો નરેન્દ્ર મોદી પહેલાં તેમનાં બાને પગે લાગવા તેમના ઘરે ગયા હતા અને પછી ત્યાંથી જ સીધા જીપીપીના ચૅરમૅન અને ગુજરાત બીજેપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને મળવા તેમના બંગલે પહોંચ્યા હતા. કેશુભાઈ પટેલના બંગલે પહોંચ્યા પછી ઘરમાં દાખલ થતાવેંત નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલને કહ્યું હતું કે ‘(મને હરાવવા) બહુ દોડાદોડી કરી દીકરીએ...’

નરેન્દ્ર મોદી કેશુભાઈ પટેલની નાની દીકરી સોનલની વાત કરતા હતા. કેશુભાઈ પટેલે જીપીપીની સ્થાપના કરી ત્યારથી એટલે કે ઑગસ્ટ મહિનાથી સોનલ દેસાઈ પપ્પા કેશુભાઈ પટેલની સાથે પડછાયાની જેમ રહેતી હતી. કેશુભાઈ પટેલની સાથે પ્રવાસ પર પણ જવાનું કામ તેના ભાગે હતું અને કેશુભાઈ સાથે સ્ટેજ પર પણ ડૉ. સોનલ દેસાઈ રહેતાં હતાં. કહેવાય છે કે ગુજરાતની પરિસ્થિતિ જોઈને ઘરમાં જીવ બાળ્યાં કરતા પપ્પાને ખુલ્લેઆમ મેદાનમાં આવવા માટે આહ્વાન આપવાનું કામ પણ દીકરીએ જ કર્યું હતું. કેશુભાઈ-સોનલ વિશેનો આ સંદર્ભનો રિપોર્ટે ‘મિડ-ડે’એ ૨૨ નવેમ્બરે પ્રસિદ્ધ કર્યો હતો.

બીજેપીના વડીલ નેતા તરીકે કેશુભાઈ પટેલના ઘરે ગયા પછી ગઈ કાલે મોદીએ પણ તરત જ સોનલનો ઉલ્લેખ કર્યો હતો અને બાપાને કહ્યું હતું કે ‘બહુ દોડાદોડી કરી દીકરીએ.’

જવાબમાં કેશુભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે ‘ના હોં, તે તો ખાલી મારી દવા માટે ભેગી રહેતી હતી... બાકી સભામાં ક્યાંય સ્પીચ નો’તી દીધી. દોડાદોડી મેં બઉ કરી, અભિનંદન તો તમારે મને દેવાં જોઈએ.’

નરેન્દ્ર મોદી તરત જ આ જવાબથી હસી પડ્યા હતા અને કહ્યું હતું કે ‘એટલે તો આવી ગયો અહીં...’

કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી લગભગ સાત મિનિટ સુધી ભેગા રહ્યા હતા. એકબીજાનું મોઢુ મીઠું કરાવવા માટે બન્નેએ પત્રકારોને હાજર રહેવાની પરવાનગી આપી હતી, પણ એ પછી બધાને રવાના કરી દેવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીના ગયા પછી કેશુભાઈ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી મેં સામેથી નરેન્દ્રભાઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમે ક્યાં છો, હું અભિનંદન આપવા આવું છું. મારા ફોન પછી તેમણે મને કહ્યું હતું કે તમે બહાર નહીં નીકળો; હું બહાર છું, હમણાં તમારે ત્યાં આવું છું.’

કેશુભાઈ પટેલના આ સ્ટેટમેન્ટ પછી ફરીથી વિવાદ થયો હતો અને કેન્દ્રીય બીજેપીના ઉપાધ્યાક્ષ પરસોતમ રૂપાલાએ કેશુભાઈ પટેલ ખોટું બોલે છે એવો આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કેશુભાઈનો કોઈ ફોન નરેન્દ્રભાઈને ગયો નથી. અરે, છેલ્લા છ મહિનાથી નરેન્દ્રભાઈ અને કેશુભાઈ વચ્ચે એક શબ્દની વાત થઈ નથી. નરેન્દ્રભાઈ સામે ચાલીને તેમને મળવા ગયા એટલે નીચાજોણું ન થાય એ માટે હવે કેશુભાઈ આવા ફોનનાં જૂઠાણાં ફેલાવે છે. બાકી નરેન્દ્ર મોદી ઇલેક્શન પૂરું થયું એટલે મોટાઈ દેખાડીને પ્રતિસ્પર્ધા ભૂલવાના હેતુથી વડીલના આર્શીવાદ લેવા ગયા હતા.’