વાજપેયીની બેઠક પરથી મોદી લોકસભામાં જશે?

19 December, 2012 03:20 AM IST  | 

વાજપેયીની બેઠક પરથી મોદી લોકસભામાં જશે?



રશ્મિન શાહ

રાજકોટ, તા. ૧૯

વિધાનસભાના ઇલેક્શનમાંથી પરવારેલા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત બીજેપીની જીત લગભગ નિશ્ચિત માનીને બીજેપીની સેન્ટ્રલ કમિટીએ હવે તેમને લોકસભાની તૈયારીઓ શરૂ કરવા માટે આદેશ આપી દીધો છે. ગઈ કાલે આ માટે અરુણ જેટલી અને નરેન્દ્ર મોદી વચ્ચે મીટિંગ પણ થઈ હતી અને આ મીટિંગમાં નરેન્દ્ર મોદીએ લોકસભાનું ઇલેક્શન લડવા માટે સહમતી પણ આપી દીધી હોવાનું કેહવાય છે. સૌથી મહત્વની વાત એ છે કે નરેન્દ્ર મોદી લોકસભાનું ઇલેક્શન ગુજરાતને બદલે ઉત્તર પ્રદેશની લખનૌ બેઠક પરથી લડે એવી સંભાવના છે. બીજેપીની કોર કમિટીના એક સિનિયર નેતાએ આ વાતની પુષ્ટિ આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અટલ બિહારી વાજપેયી હવે જ્યારે રિટાયર થયા છે ત્યારે તેમની આ સીટ પરથી નરેન્દ્ર મોદી પાર્ટીની આગેવાની લે એવા હેતુથી તેમને લખનૌ બેઠક માટે મનાવવામાં આવ્યા છે.’

ઉત્તર પ્રદેશની લખનૌ બેઠક ૧૯૯૧થી બીજેપી પાસે રહી છે. ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૪ના વર્ષમાં થયેલા લોકસભાના ઇલેક્શનમાં અટલ બિહારી વાજપેયી આ મતક્ષેત્રમાંથી લોકસભા ઇલેક્શન લડ્યા હતા અને જીત્યા હતા. ૨૦૦૯માં અટલ બિહારી વાજપેયીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી એટલે લખનૌ બેઠક બીજેપીના સાંસદ લાલજી ટંડનને આપવામાં આવી, લાલજી ટંડને પણ બેઠક જાળવી રાખી અને ૪૦,૦૦૦ વોટથી જીત મેળવી. હવે ૨૦૧૪માં આ બેઠકના દાવેદાર નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના શાસનમાં બિઝી હોય એવા સમયે તેમને બીજેપીની સૌથી સલામત બેઠક આપવી એવું લાગતાં કોર કમિટીએ તેમને લખનૌ બેઠક માટે તૈયારી કરવા કહ્યું છે અને નરેન્દ્ર મોદીએ પણ એ માટે હા પાડી છે.

શું કામ ગુજરાત નહીં?


ગુજરાતે નરેન્દ્ર મોદી અને તેમના શાસનને સ્વીકારી લીધા છે, પણ ગુજરાત બહાર મોદીને કઈ હદે સ્વીકારવામાં આવ્યા છે એ હજી જાહેર થવાનું બાકી હોવાથી ખુદ નરેન્દ્ર મોદી પણ ઇચ્છે છે કે લોકસભાના ઇલેક્શનમાં તે ગુજરાતને બદલે ગુજરાત બહારની કોઈ સુરક્ષિત બેઠક પરથી ઇલેક્શન લડે. આવી જ માનસિકતા બીજેપીની છે. બીજેપી પણ પક્ષમાં રહેલા નરેન્દ્ર મોદીના વિરોધી નેતાઓની બોલતી બંધ કરવાના હેતુથી નરેન્દ્ર મોદીને ગુજરાતને બદલે બહારથી ઇલેક્શન માટે આગ્રહ કરતી હતી, જેના ભાગરૂપે લખનૌની લોકસભા બેઠક માટે નરેન્દ્ર મોદી અત્યારે લગભગ કન્ફર્મ કહેવાય એવા ઉમેદવાર બન્યા છે.