નરેન્દ્ર મોદીએ જનસુખાકારીની આરોગ્ય રક્ષાની ત્રણ યોજનાઓનો પ્રારંભ કર્યો

05 September, 2012 05:10 AM IST  | 

નરેન્દ્ર મોદીએ જનસુખાકારીની આરોગ્ય રક્ષાની ત્રણ યોજનાઓનો પ્રારંભ કર્યો

અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના કૉન્ગ્રેસ સામે નિશાન તાકતાં કહ્યું હતું કે ગુજરાત સરકારની ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રની સફળતાથી ગુજરાત આખું ખિલખિલાટ કરે છે ત્યારે એની ઈર્ષાથી પીડાતા કેટલાક લોકો કકળાટ કરી રહ્યા છે, પણ ગુજરાત સરકાર માટે સામાન્ય માનવીની સુખાકારી જ જનસેવાનો સંકલ્પ છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીનગરમાં જનસુખાકારી અને આરોગ્ય સેવાઓની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું, જેમાં ગરીબીરેખા નીચેનાં દરિદ્રનારાયણ કુટુંબોમાં અસાધ્ય રોગનો ભોગ બનેલા દરદીને નવજીવન આપવા માટે રૂપિયા બે લાખ સુધીની સારવાર મળી રહે એ માટેની ૨૦૦ કરોડ રૂપિયાની મુખ્ય પ્રધાન અમૃતમ - મા યોજના, ગરીબ પ્રસૂતા માતા અને તેના નવજાત શિશુને હૉસ્પિટલથી ઘરે લઈ જવા સ્વાસ્થ્ય રક્ષાની સંભાળ સાથે ‘ખિલખિલાટ’ જન્મોત્સવ વાહનની સુવિધા, ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કૉર્પોરેશનની આરોગ્ય સેવાઓના સુચારુ વ્યવસ્થાપનનો પ્રારંભ ગઈ કાલથી થયો હતો. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ બધું તો માર્ચ-૨૦૧૨ના વાર્ષિક બજેટમાં મંજૂર થયેલું છે. આજની આ જાહેરાત નથી, પણ યોજનાના અમલીકરણનો પ્રારંભ છે.’

બીજેપીએ કરી નકલ : મોઢવાડિયા

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘બીજેપીને અમે મજબૂર કરી દીધી છે. અમારા મુદ્દાઓની ગુજરાત સરકારે જાહેરાત કરી દીધી છે.’

વિધાનસભા પ્રભારીઓની મળેલી બેઠકમાં અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના ‘ઘરનું ઘર’ની યોજનાને ગૃહિણીઓએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. આનાથી ગભરાઈને બીજેપીની સરકારે ગુજરાત હાઉસિંગ ર્બોડ જે મૃતપ્રાય હતું એને શરૂ કરવાની ફરજ પડી છે. કૉન્ગ્રેસે આરોગ્ય વિશેની નીતિની જાહેરાત કરીને ગુજરાતની પ્રજાને સસ્તી અને મફત સારવાર આપવાની જાહેરાત કરી એનાથી બીજેપી સરકારે ગભરાઈને આરોગ્યની યોજનાઓને જાહેર કરવાની ફરજ પડી છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી