કેશુબાપાની નજીક રહેનારા તમામની ટિકિટ કાપશે મોદી

01 August, 2012 02:57 AM IST  | 

કેશુબાપાની નજીક રહેનારા તમામની ટિકિટ કાપશે મોદી

કેશુભાઈ પટેલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખુલ્લેઆમ શરૂ કરેલા આંદોલનની સીધી આડઅસર બીજા કોઈને પડે કે ન પડે, પણ એક સમયે કેશુભાઈ પટેલના જેકોઈ વિશ્વાસુ હતા એ બીજેપીના તમામ ધારાસભ્યોને પડવાની છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીની ગુજરાતની કોર કમિટી આગામી વિધાનસભાના ઇલેક્શનમાં જે કોઈને ટિકિટ આપવાની છે એ સંભવિત ઉમેદવારોમાંથી ૪૦ ધારાસભ્યોને કાપી નાખ્યા છે. આ ચાલીસેચાલીસ ધારાસભ્યોનો વાંક માત્ર એટલો છે કે તેઓ અત્યારે સૈદ્ધાંતિક રીતે બીજેપી સાથે છે, પણ તેમની લાગણી કેશુભાઈ પટેલ સાથે છે. ગુજરાત બીજેપી સાથે સંકળાયેલા એક સિનિયર નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજેપી માને છે કે આ ૪૦ ધારાસભ્યો ગમેત્યારે કેશુભાઈ માટે લાગણી દેખાડી દે એવી શંકા હોવાથી અત્યારે તેમને ટિકિટ આપવાના લિસ્ટમાંથી બ્લૅક-લિસ્ટ કરવામાં આવ્યા છે. અગાઉ કેશુભાઈ પટેલે કોઈ બળવો નહોતો કર્યો એટલે આ ૪૦ ધારાસભ્યો પ્રત્યે શંકા રાખવાની જરૂર નહોતી, પણ હવે કેશુભાઈ મેદાનમાં છે ત્યારે એવું રિસ્ક લેવું ન જોઈએ એમ નરેન્દ્ર મોદી માને છે અને એટલે જ અમે કરન્ટ ૪૦ ધારાસભ્યોને કાપવાનું નક્કી કર્યું છે.’

આંતરિક મીટિંગમાં લેવામાં આવેલા આ નિર્ણયને કારણે ચોક્કસપણે બીજેપીમાં ઊહાપોહ થવાનો છે. એ સાંભળ્યાં પછી કેશુભાઈ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોદીએ જે કોઈ ધારાસભ્યોનાં નામનું લિસ્ટ બનાવ્યું છે એ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. અમે ઍક્શન લેવાય એની જ રાહ જોઈ રહ્યા છીએ.’