દિવાળી ઊજવવાને બદલે મોદી કામે વળગશે

25 October, 2011 03:42 PM IST  | 

દિવાળી ઊજવવાને બદલે મોદી કામે વળગશે



રશ્મિન શાહ


રાજકોટ, તા. ૨૫


આવતી કાલે પોતાના બંગલામાં થનારી બુફે પાર્ટી મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કૅન્સલ કરાવી નાખી છે અને હવે તેઓ દિવાળી સાદગીથી ઊજવવાના છે. મુખ્ય પ્રધાનના કાર્યાલય સાથે સંકળાયેલા એક સિનિયર ઑફિસરે‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોદીસાહેબે જ દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે તમામ વિધાનસભ્યો અને તેમના ફૅમિલી મેમ્બરો સાથે જમણવારનું પ્લાનિંગ કરાવ્યું હતું, પણ પછી તેમણે જ કોઈ કારણ વિના એ બુફે પાર્ટી કૅન્સલ કરાવી છે. હવે તેઓ પોતાની આ દિવાળી સાદગીપૂર્વક ઊજવવાના છે. હા, તેઓ પોતાના નિશ્ચિત કાર્યક્રમ મુજબ બેસતા વર્ષના દિવસે બાના ઘરે તેમને પગે લાગવા જશે અને એ પછી ગાંધીનગરના બહુ જાણીતા પંચદેવના મંદિરે દર્શન કરવા જશે. ત્યાર પછી તેઓ ગાંધીનગરથી ભદ્રકાળી માતાજીનાં દર્શન કરશે અને પછી ગાંધીનગરના ઘરે પાછા આવશે.’

દિવાળીએ રાતે મુખ્ય પ્રધાનના ઘરે રાસગરબાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે હજી સુધી કૅન્સલ થયો ન હોવાથી એવી ધારણા મૂકવામાં આવે છે કે મુખ્ય પ્રધાન પોતાના વિધાનસભ્યો સાથે બેસીને એ કાર્યક્રમ માણશે અને એ પછી તમામ વિધાનસભ્યોને ત્રણ દિવસની રજા આપશે. ઘરની પાર્ટી કૅન્સલ કરવા માટે હકીકત એ છે કે મુખ્ય પ્રધાન દિવાળીની રજાનો ઉપયોગ વિધાનસભાના ઇલેક્શનની સ્ટ્રૅટેજી બનાવવામાં ખર્ચવા માગે છે. સોમવાર સુધી ગાંધીનગરના સચિવાલયમાં રજા છે. આ રજાનો લાભ લઈને તેઓ ઇલેક્શન-સ્ટ્રૅટજી તૈયાર કરશે અને પછી સોમવારે પાર્ટીના સિનિયર નેતાઓ સામે એ મૂકશે.