જૂનાગઢની મદદ માટે સાક્ષાત્ મહાદેવ, કમાઉ દીકરા જેવા વનરાજ પણ : મોદી

23 December, 2011 03:03 AM IST  | 

જૂનાગઢની મદદ માટે સાક્ષાત્ મહાદેવ, કમાઉ દીકરા જેવા વનરાજ પણ : મોદી



રશ્મિન શાહ
રાજકોટ, તા. ૨૩

જૂનાગઢમાં ગઈ કાલે કરવામાં આવેલા સદ્ભાવના ઉપવાસમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં થયેલા વિકાસનું સીધું શ્રેય સોમનાથ મહાદેવને આપતાં કહ્યું હતું કે ‘આ જિલ્લાને મદદ કરવા માટે તો સાક્ષાત્ મહાદેવ બેઠા જ છે. મહાદેવની સીધી કૃપાદૃષ્ટિને કારણે જ આ જિલ્લો આટલો આગળ વધ્યો છે અને હજીય આગળ વધવાનો છે. વચ્ચે જે કોઈ વિઘ્ન આવશે, જે કોઈ અસુર આડો ઊતરશે તે બધાને દૂર કરવાની જવાબદારી મહાદેવે સંભાળી છે.’


સોમનાથ મહાદેવની જેમ જ નરેન્દ્ર મોદીએ સાસણના વનરાજોને પણ યાદ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મહાદેવે કમાઉ દીકરા જેવા વનરાજ પણ જૂનાગઢ જિલ્લાને આપ્યા છે. આ વનરાજને પૈસાની કોઈ પરવા નથી, પણ જૂનાગઢ જિલ્લાને પૈસા કમાવી આપવામાં એ સહેજ પણ ઊતરતા નથી. સાસણના સિંહને કારણે જ ટૂરિઝમની બીજા નંબરની આવક જૂનાગઢ જિલ્લાને થઈ છે. દિવાળીના ૧૦ દિવસની રજામાં સોમનાથ અને સાસણને કારણે જૂનાગઢ જિલ્લાને ૧૫ કરોડ રૂપિયાની ટૂરિઝમની આવક થઈ.’


ગઈ કાલના સદ્ભાવના મિશનમાં જૂનાગઢ જિલ્લાના ૮૮૮૮ લોકો જોડાવાના હતા, પણ છેલ્લા કલાકોમાં લગભગ ચાર હજારથી વધુ લોકો ઉમેરાઈ જતાં ગઈ કાલે મુખ્ય પ્રધાન મોદી સાથે ૧૫,૦૦૦ જેટલા લોકોએ ઉપવાસ કર્યો હતો. સામા પક્ષે કૉન્ગ્રેસે કરેલા ઉપવાસનો વધુ એક વાર ફિયાસ્કો થયો હતો અને બપોરે બે વાગ્યા સુધી ૩૦૦ લોકો પણ ઉપવાસમાં નહોતા જોડાયા. એ પછી ધીમે-ધીમે કાર્યકરો દ્વારા રીતસર માણસો ભેગા કરવામાં આવ્યા હતા. જોકે એમ છતાં આ આંકડો ૧૦૦૦થી વધ્યો નહોતો અને ૯૦ ટકા મંડપ ખાલી જ રહ્યો હતો. કૉન્ગ્રેસની ઉપવાસી છાવણી સાંજે ૭ વાગ્યે ખાલી થવાની હતી પણ કોઈ પ્રકારનો રિસ્પૉન્સ ન મળતાં કૉન્ગ્રેસે પાંચ વાગ્યે જ એ ખાલી કરી નાખી હતી. મુખ્ય પ્રધાનના સદ્ભાવના ઉપવાસ હવે સોમવારે રાજકોટ શહેરમાં થશે.