ભ્રષ્ટાચાર અને કૉન્ગ્રેસ નેહરુના સમયથી એકબીજાના પર્યાય છે : મોદી

07 November, 2011 07:13 PM IST  | 

ભ્રષ્ટાચાર અને કૉન્ગ્રેસ નેહરુના સમયથી એકબીજાના પર્યાય છે : મોદી


બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રા આજે ગુજરાતમાં વાપીથી પ્રવેશી હતી. આ જનચેતના યાત્રા તથા અડવાણીનું સ્વાગત અને સન્માન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં કહ્યું હતું કે ‘અગાઉ પ્રજા અવાજ નહોતી ઉઠાવતી ત્યારે ગુજરાતમાંથી ઊઠેલા ભ્રષ્ટાચારવિરોધી અવાજે ક્રાન્તિ કરી હતી. કૉન્ગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાનાં પર્યાય છે.’


કૉન્ગ્રેસની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે ‘જોડાણ એ વડા પ્રધાનની મજબૂરી છે, ભારતવાસીઓની નહીં. દાળમાં માત્ર કાળું નથી, આખી દાળ જ કાળી છે.’ નરેન્દ્ર મોદીએ આ તબક્કે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અડવાણીનું તપ ભારતને ભ્રષ્ટાચારમુક્ત બનાવશે.


વાપી પછી વલસાડમાં યોજાયેલી જાહેર સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ જનચેતના યાત્રા એ ભ્રષ્ટાચારના વિરોધમાં કાળા ધનને પાછું લાવવા માટે અને કૉન્ગ્રેસનાં કાળાં કામોને જન-જન સુધી પહોંચાડવા માટે છે. દેશ અને દુનિયામાં જ્યારે-જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે કૉન્ગ્રેસને અને વિકાસની વાત આવે ત્યારે બીજેપીને લોકો યાદ કરે છે.’

યુપીએનો ભ્રષ્ટાચાર દેશ માટે શરમજનક

આ અગાઉ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ વાપીમાં જાહેર સભાને સંબોધતાં બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે ‘આજે ચૂંટણી નથી, પણ જનજાગૃતિ માટે નીકળ્યો છું. યાત્રા દ્વારા જન-જન સુધી પહોંચવાનો માર્ગ મને ગુજરાતે સૂચવ્યો છે. ગુજરાતે મને પ્રોત્સાહિત કર્યો છે. પહેલી રથયાત્રા સોમનાથથી અયોધ્યા સુધી કાઢી હતી એને મળેલો ઉત્સાહ-સમર્થન અલૌકિક હતાં. આ મારી છઠ્ઠી યાત્રા છે.’

તેમણે યુપીએ સરકાર પર વધુ પ્રહારો કરતાં કહ્યું હતું કે ‘જ્યારે ભારતે આઝાદ થયા બાદ લોકશાહી અપનાવી ત્યારે વિન્સ્ટન ચર્ચિલ સહિતના વિદેશી નેતાઓએ ટીકા કરી હતી, પરંતુ ભારત એક સફળ લોકશાહી સાબિત થયું હતું. જોકે યુપીએનાં કૌભાંડો રાષ્ટ્ર માટે શરમજનક બની રહ્યાં છે. કૉન્ગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડા પ્રધાન મનમોહન સિંહે સંસદીય લોકશાહીને શરમમાં મૂકી દીધી છે.’ અડવાણીએ મોદીની હાજરીમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારના પણ વખાણ કર્યા હતા.