ગુજરાતનો દીકરો ‘વિકાસ’ ને જપાનની દીકરી ‘પ્રગતિ’

28 July, 2012 03:57 AM IST  | 

ગુજરાતનો દીકરો ‘વિકાસ’ ને જપાનની દીકરી ‘પ્રગતિ’

છેલ્લા ૪ દિવસથી જપાનની યાત્રાએ ગયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જપાનથી અમદાવાદ આવતાં પહેલાં ગુજરાતમાં કેટલાક સિલેક્ટિવ અધિકારી અને મિનિસ્ટર સાથે ટેલિ-કૉન્ફરન્સથી કરેલી મીટિંગમાં તેમણે હસતાં-હસતાં કહ્યું હતું કે ‘મને ખબર છે કે મારા આવ્યા પછી કેટલાય લોકો એવી વાતો ફેલાવી રહ્યા છે કે હું અહીં વેકેશન માણવા આવ્યો છું, પણ સાચું કહું તો હું અહીં સંબંધો બાંધવા આવ્યો છું. આપણે લગ્ન કરતાં પહેલાં જે રીતે એકબીજાનાં ઘર જોઈએ છીએ એ રીતે હું અહીં ઘર જોવા આવ્યો છું. મારે તો કોઈ દીકરો છે નહીં, પણ ગુજરાતના દીકરા ‘વિકાસ’ની જવાબદારી મારી છે અને એ માટે જપાનની દીકરી ‘પ્રગતિ’ યોગ્ય પાત્ર લાગ્યું એટલે ઘર જોવા આવ્યો છું.’

નરેન્દ્ર મોદીએ પોતાની ૪ દિવસની યાત્રા દરમ્યાન જપાનનાં પાંચ રાજ્યોની મુલાકાત લીધી હતી. એમાં તેમને માટે રાખવામાં આવેલા કે તેમના દ્વારા ગોઠવવામાં આવેલા ૬૫ કાર્યક્રમોમાં તેઓ હાજર રહ્યા હતા અને ૨૦૦૦થી વધુ સરકારી કે જપાની કંપનીઓના પદાધિકારીઓને મળ્યાં હતા તથા ૭ સેન્ટ્રલ મિનિસ્ટર સાથે બેઠકો કરી હતી. પોતાની ૪ દિવસની આ યાત્રા દરમ્યાન જપાનના ૧૦૦ જેટલા ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટની તૈયારી દેખાડી છે.